Site icon Revoi.in

ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે સીલ્સે લાદેનના ઘરમાં ઘૂસીને તેના માથામાં ગોળી મારી હતીઃ ટ્રમ્પ

Social Share

વોશિંગ્ટન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નેવી સીલ્સની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે, ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે આ વિશેષ દળે પાકિસ્તાનમાં પ્રવેશીને અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ટ્રમ્પ સોમવારે વર્જિનિયાના નોર્ફોક શહેરમાં નેવીના 250મા સ્થાપના દિવસના પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે,“ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે સીલ્સે લાદેનના ઘરમાં ઘૂસીને તેના માથામાં ગોળી મારી.” ટ્રમ્પે ફરીથી દાવો કર્યો કે 9/11ના આતંકી હુમલા પહેલાં જ તેમણે ઓસામા બિન લાદેન અંગે ચેતવણી આપી હતી.

ટ્રમ્પે આક્ષેપ કર્યો કે, અમેરિકા ઘણી વખત પોતાના કાર્યનું શ્રેય અન્યને આપી દે છે. તેમણે કહ્યું કે લાદેનના મૃતદેહને અમેરિકન નેવી દ્વારા યુએસએસ કાર્લ વિન્સન એરક્રાફ્ટ કેરિયર પરથી સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો હતો જેથી તે સમુદ્રની ઊંડાઈમાં ડૂબી જાય.

ઉલ્લેખનીય છે કે મે 2011માં અમેરિકન નેવી સીલ્સે એક ગુપ્ત અભિયાન ચલાવીને પાકિસ્તાનના એબટાબાદ શહેરમાં ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. આ ઓપરેશનને તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મંજૂરી આપી હતી. બાદમાં ઓબામાએ વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાંથી જાહેર કર્યું હતું કે, હું અમેરિકન નાગરિકો અને સમગ્ર વિશ્વને જણાવું છું કે અમેરિકાએ એવા ઓપરેશનમાં સફળતા મેળવી છે જેમાં અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેન ઠાર મરાયો છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં અફગાનિસ્તાનમાંથી અમેરિકાની નીતિ અને અણઘડ પાછી ખેંચણીની પણ ટીકા કરી હતી.

Exit mobile version