Site icon Revoi.in

અડાલજ નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસે હીટ એન્ડ રન, ક્રિકેટ રમવા જતા કિશોરનું મોત

Social Share

ગાંધીનગર, 2 જાન્યુઆરી 2026:Minor dies in hit-and-run incident near Adalaj  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનના બનાવમાં 17 વર્ષિય કિશોરનું મોત નિપજ્યું હતું.  ઝુંડાલથી અડાલજ તરફ જતા નર્મદા કેનાલ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. મિત્ર સાથે બોક્સ ક્રિકેટ રમવા જઈ રહેલા 17 વર્ષીય કિશોરને અજાણ્યા વાહને અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જતા અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના અને હાલ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વિરસિંઘ ઠાકુરનો 17 વર્ષીય પુત્ર હેમંત તેના મિત્ર યુવરાજ સાથે એક્ટિવા (GJ-27-AB-6791) પર વહેલી સવારે છ વાગ્યાના સુમારે વૈષ્ણોદેવી સર્કલ પાસે બોક્સ ક્રિકેટ રમવા જવા નીકળ્યો હતો. દરમિયાન ઝુંડાલથી અડાલજ તરફ જતા નર્મદા કેનાલ બ્રિજ ઉતરતા બાલાજી કુટીર પાસે અચાનક એક્ટિવા સ્લીપ થતા એક્ટિવાસવાર બંને મિત્રો રોડ પર પટકાયા હતા. હેમંત અડાલજથી ઝુંડાલ તરફના રોડ પર ફેંકાયો હતો. તે જ સમયે પૂરઝડપે આવી રહેલા કોઈ અજાણ્યો વાહન ચાલક હેમંતને જોરદાર ટક્કર મારી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં હેમંતને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને 108 મારફતે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. મૃતક હેમંતના પિતા વિરસિંઘ ઠાકુર જેઓ ઇન્ડિયન ઓઇલના ટેન્કર પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે તેમણે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Exit mobile version