Site icon Revoi.in

હિંમતનગર નજીક સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરસવાર કિશોરનું મોત

Social Share

હિંમતનગર, 1 માર્ચ 2026: Scooter rider dies after being hit by unknown vehicle રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ  હિંમતનગર નજીક મોતીપુરાના સર્વિસ રોડ પર સર્જાયો હતો. હિંમતનગરથી અમદાવાદ જતા હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર. પિતા-પુત્ર સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહને ટક્કર મારતા 14 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે તેના પિતાને ગંભીર રીતે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા પિતા અને તેમનો કિશોર વયનો પુત્ર સ્કૂટર પર સવાર થઈને મોતીપુરા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પૂરફાટ ઝડપે આવેલા અજાણ્યા વાહનના ચાલકે પાછળથી બેદરકારીપૂર્વક વાહન હંકારી સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.  અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂટર પર સવાર કિશોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે દમ તોડી દીધો હતો. જ્યારે પિતાને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક કિશોર ઝહીરાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની જાણ થતા જ હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ, ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version