1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુમાં બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ હુમલામાં હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ, હુમલાખોર યાસિર ભટ્ટ એરેસ્ટ
જમ્મુમાં બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ હુમલામાં હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ, હુમલાખોર યાસિર ભટ્ટ એરેસ્ટ

જમ્મુમાં બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ હુમલામાં હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ, હુમલાખોર યાસિર ભટ્ટ એરેસ્ટ

0

જમ્મુના બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ એટેકની પાછળ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આનો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે બસમાં ગ્રેનેડ એટેક કરનારો યાસિર ભટ્ટ ઝડપાઈ ગયો છે. યાસિર ભટ્ટે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે જણાવ્યું છેકે યાસિર ભટ્ટે હિઝબુલ કમાન્ડરના કહેવા પર જમ્મુ બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ એટેક કર્યો હતો.

ગુરુવારે જમ્મુમાં બસ સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ફેંકવામાં આવેલા ગ્રેનેડને કારણે મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક ઘાયલ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. આ વિસ્ફોટ સવારે સાડા બાર વાગ્યાની આસપાસ થયો હતો. ઘાયલોને જમ્મુ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીપી એમ. કે. સિંહાએ પુષ્ટિ કરી હતી કે આ હુમલો ગ્રેનેડથી કરવામાં આવ્યો હતો.

સાંજે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે બસ પર ગ્રેનેડ એટેક કરનારની ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ આરોપીના ફરાર થતા પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ યાસિર ભટ્ટ તરીકે થઈ હતી. તે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે. તેણે હિઝબુલના કમાન્ડરના નિર્દેશ પ્રમાણે બસ પર ગ્રેનેડ એટેક કર્યો હતો.

આ હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. જે સ્થાને આ વિસ્ફોટ થયો હતો, ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકોની અવરજવર છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવીને લોકોને હટાવ્યા હતા. બાદમાં માત્ર બસ સ્ટેશન જ નહીં પણ આખા જમ્મુ શહેરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોર સુધી પહોંચવા માટે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 20-20 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે આ હુમલાને વખોડયો છે.

આ વિસ્ફોટમાં ઉત્તરાખંડના હરિદ્વારનો વતની 17 વર્ષીય મોહમ્મદ શારીક નામનો કિશોર મોતને ભેંટયો છે. તેના સિવાય અન્ય 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ વિસ્ફોટ રાજ્ય પરિવહનની બસમા થયો હતો. જે વખતે વિસ્ફોટ થયો ત્યારે બસ સ્ટેશન પર બસ ઉભી હતી. કેટલાક પ્રવાસીઓ બસની અંદર હતા. ગ્રેનેડ એટેક વખતે વીસથી પચ્ચીસ લોકો બસમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું.

પીડીપી અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને ગ્રેનેડ એટેકને વખોડતા લખ્યું છે કે કેટલાક લોકો આપણને વિભાજીત કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણે એકજૂટ રહેવું જોઈએ. ત્યારે જ આવી શક્તિઓને હરાવી શકીશું. મહબૂબા મુફ્તિ સિવાય ઓમર અબ્દુલ્લાએ પણ આતંકી હુમલાને વખોડયો છે.

14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તે હુમલમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા.

મહત્વપૂર્ણ છે કે ગત દશ માસમાં જમ્મુ બસ સ્ટેશન પર આ ત્રીજો હુમલો થયો છે. આ પહેલા ડિસેમ્બર-2018માં વિસ્ફોટ થયો હતો. જેમાં કોઈને પણ નુકસાન થયું ન હતું. તો 24 મે-2018ના રોજ થયેલા વિસ્ફોટમાં અહીં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.