અમદાવાદ, 03 માર્ચ 2026: Holi Flame Predictions ગુજરાતમાં દર વર્ષે હોળીના જ્વાળાઓ જોઈને જાણકાર લોકો વર્ષ કેવું રહેશે તેની આગાહી કરતા હોય છે. ગઈકાલે હોળીની જ્વાળાઓ જોઈને જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્ત્વનો વરતારો રજૂ કર્યો છે, જેમાં ઉનાળામાં રેકર્ડબ્રેક ગરમી, તેમજ ચોમાસામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જ્યોતિચાર્યોએ હોળીના ધુમાડા અને ખગોળીય ગ્રહ દશાઓને જોતા દેશમાં ભયંકર મોંઘવારી, આર્થિક તંગી અને રાજકીય ઉથલપાથલની પણ આગાહી કરી છે.
ગુજરાતમાં હોળીના પ્રાગટ્ય બાદ તેની જ્વાળાઓ જોઈને કેટલાક જ્યોતિષવિદો અને જાણકાર લોકો પોતાની રીતે અભ્યાસ કરીને આગાહી કરતા હોય છે. વંથલીના રમણિકભાઈ વામજા અને જ્યોતિષાચાર્ય ડો. દિલીપ દવેના મતે, આ વર્ષે હોળીની જ્વાળાઓ આકાશ અને ઈશાન ખૂણા તરફ જતાં સાર્વત્રિક વરસાદ અને સુખ-સમૃદ્ધિના સંકેત મળી રહ્યા છે, જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઇંચ સુધીનો ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ પણ રહેલું છે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે પાલજ ખાતે હોળીની ઝાળ જોઈને ઉનાળા, ચોમાસા અને વાવાઝોડા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, હોળીની ઝાળ ઉત્તર દિશામાંથી આવીને દક્ષિણ દિશામાં જતી હતી પરંતુ ક્યારેક પશ્ચિમ ઉત્તરની પણ રહી હતી. ત્યારે આ વખતે સૂર્યકલંકો હોવા છતાં અને પેસિફિક મહાસાગરો ગરમ રહેવાની શક્યતા હોવા છતાં, ભારતનું ચોમાસું સાનુકૂળ રહેશે, પાછોતર વરસાદ થવાની શક્યતા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, “પશ્ચિમી વિક્ષોભને કારણે અસહ્ય ગરમી અનુભવાશે. આ મહિનામાં માર્ચની સાતમી તારીખ સુધી તો ગરમીનો પારો 37 -38 ડિગ્રીએ પહોંચી જશે. અને 20મી તારીખ સુધીમાં તાપમાનનો પારે 40 ડિગ્રીને વટાવી જશે. અને માર્ચના અંત સુધીમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
અન્ય જ્યોતિષવિદોના કહેવા મુજબ હોળીની જ્વાળાઓ જોતા એકતરફ અનાજ-કઠોળનો બમ્પર પાક થવાની શક્યતા છે, તો બીજી તરફ હોળીના ધુમાડા અને ખગોળીય ગ્રહ દશાઓને જોતા દેશમાં ભયંકર મોંઘવારી, આર્થિક તંગી અને રાજકીય ઉથલપાથલના ભણકારા પણ વાગી રહ્યા છે. ઓગસ્ટમાં આવનારા ગ્રહણોને કારણે વેપારીઓ માટે કપરો સમય અને નવરાત્રી સુધી બજારમાં મંદીનો માહોલ રહેવાની શક્યતા છે.
વંથલીના આગાહીકાર રમણિકભાઈ વામજાના મતે આ વર્ષે અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. હોળીના પવનની દિશા જોતા દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે વેરાવળ, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ વિસ્તારોમાં 55થી 60 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નક્ષત્રો અને ગરમીની અસર વિશે તેમણે જણાવ્યું હતું કે, અખાત્રીજ અને ઉતાસણીના પવનને જોતા આ વર્ષે અતિશય ગરમી પડશે. રોહિણી નક્ષત્રમાં અસહ્ય ગરમીનો અનુભવ થશે. જ્યારે ભાદરવા સુદ છઠના દિવસે અનુરાધા નક્ષત્ર બેસે છે, જે વર્ષ માટે શુભ સંકેત છે. ભાદરવા વદમાં હાથિયા નક્ષત્ર બેસે ત્યારે પાછતરો વરસાદ ગાજવીજ સાથે થશે, જેનાથી પાકને નુકસાન થવાની પણ ભીતિ છે.

