Site icon Revoi.in

ધોરડોના રણમાં હવે રજિસ્ટ્રેશન વિના ઘોડે કે ઊંટ સવારી કરાવી શકાશે નહીં

Social Share

ભૂજઃ કચ્છમાં હાલ ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ એવા ધોરડો ખાતે પ્રવાસીઓને રજિસ્ટ્રેશન વિના ઘોડેસવારી કે ઊંટ સવારી કરવામાં આવતી હોવાથી જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઘોડા અને ઊંટના માલિકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એવો આદેશ આપ્યો છે. ઉપરાંત ઘોરડોમાં સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કચ્છના ધોરડોમાં  સફેદ રણનો નજારો માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખાનગી વાહનો રણમાં અંદર સુધી લઇ જવાતાં હોય ત્યારે  જાગેલા તંત્રએ જાહેરનામું બહાર પાડીને સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર આસપાસ રણમાં ખાનગી વાહનો લઇ જવા અને રણ વિસ્તારમાં રજિસ્ટ્રેશન વિનાની ઘોડે સવારી, ઊંટ સવારી ફેરી સર્વિસ પર પાબંદી લગાવી છે.

ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ રણ વિસ્તારમાં ચાલતી ઘોડે સવારી, ઊંટ સવારીનો ૫ણ આનંદ માણતા હોય છે. સ્થાનિક ઘોડે સવારી, ઊંટ સવારી માલિકો દ્વારા પ્રવાસીઓને ફેરી સર્વિસ અપાય છે, તેઓએ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. કલેક્ટર અમિત અરોરાએએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અન્વયે જાહેરનામું બહાર પાડીને તા.27-1 સુધી ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી, ઊંટ સવારી ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ છે. જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/ઈમરજન્સી મેડીકલ સર્વિસીસ સંલગ્ન વાહનો, ૫રવાનગી આ૫વામાં આવેલા હોય તેવી બસો અને પોલીસ અધિક્ષક,સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને મુક્તિ આપવામાં આવશે.