Site icon Revoi.in

હાઉસિંગ સોસાયટીઓ મિલકતોના ટ્રાન્સફરમાં દસ્તાવેજના 0.5 ટકાથી વધુ ચાર્જ વસુલી શકાશે નહીં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં નોંધાયેલી હાઉસીંગ સોસાયટીમાં મકાનના ખરીદ વેચાણ સમયે સોસાયટી દ્વારા સભ્યની શેરના ટ્રાન્સફર સમયે લેવાતી ફીમાં હવે સરકારે મહતમ રૂા.1 લાખની મર્યાદા મુકી છે. જેમાં દસ્તાવેજના 0.5 ટકા અને વધુમાં વધુ એક લાખમાં જે ઓછી રકમ હશે તે જ વસુલી શકાશે, આથી હવે હાઉસીંગ સોસાયટી દ્વારા આ રીતે તેની ઈચ્છા મુજબની ફી જે વસુલાતી હતી તેનો અંત આવશે.

રાજય સરકારે આ અંગે બહાર પાડેલા જાહેરનામામાં મિલ્કતની દસ્તાવેજ કિંમત 0.5% અથવા વધુમાં વધુ રૂા.1 લાખ જ આ પ્રકારે ફી સાથે વસુલી શકાશે તે નિશ્ચિત કર્યુ છે. આ નવો નિયમ તા.10 જૂન-2025થી લાગુ થઈ ગયો છે. હાઉસીંગ અને હાઉસીંગ સર્વિસ સોસાયટી એ હવે આ નવા નિયમ મુજબ જ ટ્રાન્સફર ફી વસુલવાની રહેશે.

સૂત્રોના કહેવા મુજબ હાઉસીંગ સોસાયટીની કમીટીની દલીલ હતી કે, જે રીતે અગાઉના સભ્ય દ્વારા સોસાયટીની સુવિધા વિકાસ માટે મોટી રકમનાં ખર્ચમાં યોગદાન આપ્યુ હોય છે તે નવા સભ્યને કોઈ ચાર્જ વગર જ મળે છે તે યોગ્ય નથી. હાઉસીંગ સોસાયટી તેના શેર કે તેવા દસ્તાવેજ નવા મકાન માલીકના નામે કરવા માટે જે ફી વસુલે છે તે લાખો રૂપિયામાં પણ અનેક વખત વસુલાય છે. જો કે હાઉસીંગ સર્વિસ સોસાયટી જે શેર મૂડી ધરાવતી નથી તે આ પ્રકારે ફી વસુલતી ન હતી. સરકારે હવે ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટ 1961ના નિયમ 140-એ માં સુધારો કર્યો છે. જેમાં હવે મકાનની દસ્તાવેજ કિંમતના 0.5% અથવા વધુમાં વધુ 1 લાખ બે માંથી જે ઓછી હશે તે અમલી શકાશે પણ જો કોઈ નાણાકીય લેવડદેવડ વિશાળ ફકત વારસાના ધોરણે મિલ્કતની માલીકી ટ્રાન્સફર થતી હોય તો કોઈ પણ પ્રકારે આવી ફી વસુલી શકાશે નહી.

આ નિયમ ડોનેશન, ડેવલપમેન્ટ સોસાયટી ફંડ કે અન્ય કોઈ રીતે ભંડોળ વસુલવા તેને પણ લાગુ પડશે અને સોસાયટી પણ તેમાં 0.5% કે રૂા.1 લાખ બેમાંથી જે ઓછી હશે. તે કુલ રકમ વસુલી શકશે. આમ સોસાયટી માટે હવે કોઈ અલગ ચાર્જ વસુલવાનો રહેશે નહી.