હિંદ મહાસાગરમાં ઈરાની જહાજને ફૂંકી મારનાર ટોર્પિડો કેવી રીતે કામ કરે છે?
કોલંબો-વૉશિંગ્ટન, 5 માર્ચ, 2026 – How does the torpedo work? અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા જંગમાં હાલ સૌથી વધુ ચર્ચા ટોર્પિડો હુમલાની છે. ગઈકાલે બુધવારે એક અમેરિકી સબમરીને ટોર્પિડો દ્વારા ઈરાની યુદ્ધજહાજને હિંદ મહાસાગરમાં ડૂબાડી દીધું હતું. આ હુમલામાં ઈરાનના ઓછામાં ઓછા 87 નૌસૈનિકો માર્યા ગયા હતા અને બીજા ઘણા લાપતા હોવાનું કહેવાય છે.
ઈરાની નેવીનું યુદ્ધજહાજ ‘IRIS Dena’ હિંદ મહાસાગરની આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતું અને ઈરાન પરત ફરી રહ્યું હતું. થોડા દિવસો પહેલા જ આ યુદ્ધજહાજ ભારતમાં MILAN-2026 નૌસેના અભ્યાસમાં સામેલ થવા આવ્યું હતું. આ હુમલામાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમવાર ટોર્પિડોનો ઉપયોગ કર્યો હતો.
શું હોય છે ટોર્પિડો અને કેવી રીતે કામગીરી કરે છે?
ટોર્પિડો એક સ્વચાલિત, સિગાર આકારની પાણીની અંદર ચાલતી મિસાઈલ છે. તેને સબમરીન, યુદ્ધજહાજ અને એરક્રાફ્ટથી લોન્ચ કરવામાં આવે છે. તે દુશ્મનના જંગી જહાજોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ટોર્પિડો થર્મલ એન્જિન દ્વારા જાયરોસ્કોપ (Sonar) નો ઉપયોગ કરે છે, જેના દ્વારા તે લક્ષ્યને ભેદે છે.
આધુનિક ટોર્પિડો બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક મોટર અથવા થર્મલ એન્જિન (જેમ કે, ઓટો ફ્યુઅલ) નો ઉપયોગ કરે છે. આ શસ્ત્ર પાણીમાં આગળ વધવા માટે ઓક્સિડાઈઝરનો ઉપયોગ કરે છે. અતિ ઝડપી ટોર્પિડો સુપરકેવિટેશનનો ઉપયોગ કરી શકે છે, જેનાથી તેમની આસપાસ ગેસના પરપોટા બને છે અને પાણીનો અવરોધ ઘટી જાય છે. સબમરીનમાં ટોર્પિડો લોન્ચ કરવા માટે એક ટ્યુબ હોય છે, જેના દ્વારા તે બહાર નીકળે છે અને લોન્ચ થયા બાદ તે ઝડપથી લક્ષ્ય તરફ વધે છે.
વિસ્ફોટની બે રીત:
૧. કોન્ટેક્ટ ટોર્પિડો: આ ટોર્પિડો લક્ષ્ય સાથે અથડાય ત્યારે વિસ્ફોટ થાય છે.
૨. પ્રોક્સિમિટી ટોર્પિડો: આ નવા પ્રકારના ટોર્પિડો છે જે લક્ષ્યની નજીક પહોંચતાની સાથે જ પોતાની મેળે વિસ્ફોટ કરે છે. આ ટોર્પિડો યુદ્ધજહાજને સ્પર્શ પણ કરતા નથી, છતાં તેને તોડી પાડે છે.
અમેરિકાએ કયા ટોર્પિડોનો ઉપયોગ કર્યો?
અમેરિકાએ ઈરાની યુદ્ધજહાજને ફૂંકી મારવા માટે Mark-48 હેવીવેટ ટોર્પિડોનો ઉપયોગ કર્યો હતો. આ ટોર્પિડો અમેરિકી નૌકાદળનું સૌથી શક્તિશાળી હથિયાર છે. આ ટોર્પિડોમાં યુદ્ધજહાજ અને સબમરીન બંનેને નષ્ટ કરવાની ક્ષમતા છે. તેને 1972 માં અમેરિકી નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેમાં ગાઈડન્સ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક્સમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ ટોર્પિડોનું વજન અંદાજે 1700 કિલોગ્રામ છે. તેમાં અત્યંત શક્તિશાળી વિસ્ફોટકો હોય છે. Mark-48 એક્ટિવ અને પેસિવ બંને પ્રકારના સોનારનો ઉપયોગ કરીને પાણીની અંદર લક્ષ્યને ઓળખી શકે છે. અમેરિકાનો આ ટોર્પિડો પ્રોક્સિમિટી પ્રકારનો છે જે લક્ષ્યની નજીક જઈને વિસ્ફોટ કરે છે.


