કેલ્શિયલની કમીને દૂર કરવા માટે પાલકને ભોજનમાં કરો સામેલ, હાડકા થશે મજબૂત
કેલ્શિયમ શરીર માટે એક અત્યંત આવશ્યક મિનરલ છે, જે હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેલ્શિયમ માત્ર હાડકાં માટે જ નહીં, પણ સ્નાયુઓની કામગીરી, નસના સંકેતોને સુચારૂ રાખવા અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે પણ એટલું જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય, તો હાડકાં નબળા પડવા લાગે છે અને ફ્રેક્ચરનું જોખમ અનેકગણું વધી જાય છે. જેથી તબીબો શિયાળામાં પાલકને ભોજનમાં સામેલ કરવાની સલાહ આપે છે.
જાણીતા તબીબ ડૉ. સુભાષ ગિરિના જણાવ્યા અનુસાર, કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે પાલક એક શ્રેષ્ઠ શાકભાજી છે. પાલકમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂતી આપે છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન-K પણ હોય છે, જે શરીરમાં કેલ્શિયમના શોષણને ઝડપી બનાવે છે. પાલકને તમે શાક, સૂપ કે દાળમાં ઉમેરીને સરળતાથી તમારા રોજિંદા આહારનો ભાગ બનાવી શકો છો.
માત્ર શાકભાજી જ નહીં, પણ અન્ય ખાદ્ય પદાર્થો દ્વારા પણ કેલ્શિયમની પૂર્તિ કરી શકાય છે:
ડેરી પ્રોડક્ટ્સ: દૂધ અને દહીં કેલ્શિયમના સૌથી જાણીતા સ્ત્રોત છે.
ડ્રાય ફ્રૂટ્સ અને સ્ટીટ્સ: તલ અને બદામ હાડકાંના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
સોયા અને ચણા: સોયા અને ચણા પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે.
લીલી શાકભાજીઃ પાલક સિવાયના અન્ય લીલા શાકભાજી પણ ડાયટમાં સામેલ કરવી જોઈએ.
નિષ્ણાતોના મતે, તમે ગમે તેટલું કેલ્શિયમ લો, પણ જો શરીરમાં વિટામિન-D ની ઉણપ હશે તો કેલ્શિયમ શોષાશે નહીં. આથી, દરરોજ થોડો સમય સૂર્યપ્રકાશમાં વિતાવવો જોઈએ. સંતુલિત આહાર અને યોગ્ય જીવનશૈલી દ્વારા કેલ્શિયમની ઉણપથી બચી શકાય છે.
કેલ્શિયમની ઉણપના લક્ષણોઃ જો તમને સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં ખેંચાણ, સતત થાક લાગવો, દાંતની નબળાઈ કે બાળકોમાં હાડકાંનો યોગ્ય વિકાસ ન થવો જેવી સમસ્યાઓ જણાતી હોય, તો તે કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે. લાંબા ગાળે આ ઉણપ ‘ઓસ્ટિયોપોરોસિસ’ જેવી ગંભીર બીમારીમાં પરિણમી શકે છે.


