Site icon Revoi.in

ઊધના રેલવે સ્ટેશને પ્રવાસીઓની ભારે ભીડ, ટ્રેનોના કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી

Social Share

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત ઉદ્યોગ-ધંધામાં રોજગારી મેળવીને પરપ્રાંતના શ્રમિકો શહેરમાં સ્થાયી થયા છે. દિવાળી અને છઠ્ઠના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી પરપ્રાંતના શ્રમ કો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના કારણે શહેરના ઊધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓના ધસારાને પહોચી વળવા માટે ખાસ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ઊધના રેલવે સ્ટેશન પર એટલી બધી ભીડ છે. કે, વ્યવસ્થા કરવાનું પણ રેલવે તંત્ર માટે અઘરૂં બની ગયું છે. દરમિયાન પ્રવાસીઓની ભીડને ધ્યાને રાખીને રેલવેતંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવાનો આરંભ થઈ ચૂક્યો છે. આ સેવા અંતર્ગત બુકિંગ ક્લાર્કો હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર બેસેલા પ્રવાસીઓ સુધી પહોંચીને જનરલ ટિકિટ આપી રહ્યા છે. ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં પણ પગ મુકવાની જગ્યા ન મળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ઊધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે.  અનરિઝર્વ્ડ ટ્રેનોના  એક એક ડબ્બામાં લાઈનમાં પ્રવાસીઓને બેસાડવામાં આવી રહ્યા છે. ટ્રેનોના ડબ્બામાં  પગ મુકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. હજુ પણ પ્રવાસીઓ દ્વારા વધુ ટ્રેન મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ધસારાને લીધે  છ મોબાઈલ ટિકિટ ડિવાઈસ ફાળવવામાં આવ્યા છે. જેને TVS મોબાઈલ UTS મશીન તરીકે ઓળખવામાં આવે છે. આ પોર્ટેબલ મશીના આધારે પ્રવાસીઓને સરળતાથી તેમની પાસે જઈને જનરલ ટિકિટ આપી શકાશે. મોબાઈલ ટિકિટિંગનો આરંભ કરાયો છે. તેમજ પહેલા જ દિવસે 1500 પ્રવાસીઓને મોબાઈલ ડિવાઈસથી જનરલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવી હતી. જનરલ ટિકિટની સાથે પ્લેટફોર્મ ટિકિટ પણ ઈશ્યૂ કરી શકાશે. ભીડ વ્યવસ્થાપન માટે લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરો માટે લાભદાયી નીવડશે. આગામી સમયમાં આ સેવાને વધુ વિસ્તૃત બનાવવા માટે વધારાના ડિવાઈસ ખરીદવામાં આવશે. તેમજ ટિકિટ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલાઈઝેશન કરી દેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ ડિવિઝનમાં ઉધના રેલવે સ્ટેશન પર સૌપ્રથમ વખત મોબાઈલ ટિકિટિંગ સેવાનો શુભારંભ કરાયો છે. મોબાઈલ ટિકિટિંગથી આગામી દિવસમાં મુસાફરોને મોટી રાહત થઈ જશે. વધુમાં આગામી ત્રણ દિવસ હજુ પણ ભીડ રહેશે તેવી સંભાવના છે. કેમકે, સ્કૂલ અને કોલેજોમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે વેકેશન પણ પડવાના શરૂ થઈ ગયા છે જેને પગલે મુસાફરોની ભીડ વધશે.