મને શાંત કરાયો છે, પણ હું હાર્યો નથી, રાઘવ ચઢ્ઢાએ આપ પર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) માં ફરી એકવાર આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવવાના નિર્ણય બાદ સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે. પદ પરથી હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, “મને ખામોશ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી.”
શુક્રવારે રાઘવ ચઢ્ઢાએ એક્સ પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે, “સંસદમાં મેં એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે જેની સામાન્ય રીતે ચર્ચા કરવામાં આવતી નથી. મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ, ડેટા લિમિટની સમસ્યા અને પિતૃત્વ રજા જેવા વિષયો પર મેં અવાજ ઉઠાવ્યો. શું આવા મુદ્દાઓ ઉઠાવવા એ ગુનો છે?”
Silenced, not defeated
My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ‘आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3
— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026
ચઢ્ઢાએ વધુમાં ઉમેર્યું કે આ તેમનો ‘આમ આદમી’ ને સંદેશ છે અને તેઓ ડર્યા વગર જનતાના પ્રશ્નો ઉઠાવતા રહેશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી દૂર કરવા વિનંતી કરી છે. તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ એવી પણ વિનંતી કરી છે કે ચઢ્ઢાને સંસદમાં બોલવા માટે AAP ના નિર્ધારિત ક્વોટામાંથી સમય ફાળવવો જોઈએ નહીં.
એક સમયે રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને વિશ્વાસુ નેતા માનવામાં આવતા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી કેજરીવાલના જાહેર કાર્યક્રમોમાં ચઢ્ઢાની ગેરહાજરી અને તેમની લાંબી ચુપકીદીએ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા હતા. આખરે પદ પરથી હટાવવાના નિર્ણયે બંને વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ પર મહોર મારી દીધી છે.
બીજી તરફ, નવા નિમાયેલા ઉપનેતા અશોક મિત્તલે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સંયોજકે મને જે જવાબદારી સોંપી છે તે હું પૂરી ઈમાનદારીથી નિભાવીશ. રાજ્યસભામાં પાર્ટીના સ્ટેન્ડ અને રાષ્ટ્રીય હિતોને મજબૂત રીતે રજૂ કરીશ.” રાજકીય જાણકારો માને છે કે ચઢ્ઢા જેવા નેતાને સાઈડલાઈન કરવાથી AAP ને પંજાબ અને દિલ્હીમાં નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જ્યારે પાર્ટી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે, ત્યારે આ પ્રકારનો આંતરિક વિખવાદ વિપક્ષને તક આપી શકે છે.


