1. Home
  2. ગુજરાતી
  3. ICMR ની સફળતા: સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડની સ્વદેશી રસી ટેકનોલોજી ફાર્મા કંપનીઓને સોંપાઈ
ICMR ની સફળતા: સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડની સ્વદેશી રસી ટેકનોલોજી ફાર્મા કંપનીઓને સોંપાઈ

ICMR ની સફળતા: સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડની સ્વદેશી રસી ટેકનોલોજી ફાર્મા કંપનીઓને સોંપાઈ

0
Social Share

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: ભારતમાં બાયોમેડિકલ રિસર્ચ અને નવીનતા ક્ષેત્રે મોટો તબક્કો સર્જાતાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પોતાની ‘મેડિકલ ઇનોવેશન્સ પેટન્ટ મિત્ર’ પહેલ હેઠળ અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ અને વેક્સીન ઉત્પાદકોને ત્રણ સ્વદેશી બાયોમેડિકલ ટેકનોલોજીના લાયસન્સ તબદીલ કર્યા છે. વધુ સંશોધન, વ્યાપારીકરણ અને દેશભરમાં ઉત્પાદનને વેગ આપવાના ઉદ્દેશથી આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સફળતા જાહેર ભંડોળથી થતા સંશોધનને પોસાય તેવા આરોગ્યસંભાળ ઉકેલોમાં રૂપાંતરિત કરવાની અને ભારતના બાયોમેડિકલ ઇનોવેશન ઇકોસિસ્ટમને સશક્ત બનાવવાની દિશામાં એક મોટું કદમ છે.

આ લાયસન્સિંગ હેઠળ સર્વિકલ ઇન્ટ્રાએપિથેલિયલ નેઓપ્લાસિયા (CIN) ની સારવાર માટેની એક નવતર એન્ટી-HPV ઉપચારાત્મક કેન્ડીડેટ SHetA2 નો સમાવેશ થાય છે, જેને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડને લાયસન્સ આપવામાં આવ્યું છે. આ ટેકનોલોજી ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ (ICMR-NICPR) ના ડૉ. શોકત હુસૈન અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓક્લાહોમાના સ્ટીફન્સન કેન્સર સેન્ટરના ડૉ. ડોરિસ એમ. બેનબ્રુક વચ્ચેના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. SHetA2 એ તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડ્યા વિના HPV-પ્રેરિત પ્રી-કેન્સરસ અને સર્વાઇકલ કેન્સર કોષોને પસંદગીપૂર્વક દૂર કરી શકે છે, જે કેન્સરની સારવારમાં અત્યંત સલામત અને પોસાય તેવો નવો વિકલ્પ પૂરો પાડશે.

  • આ રસીઓ મુખ્ય બેક્ટેરિયલ રોગકારકો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડવા માટે ડિઝાઇનેડ કરવામાં આવી છે

આ ઉપરાંત ICMR–નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ઇન બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ (ICMR-NIRBI), કોલકાતાના ડૉ. સંતસબુજ દાસ અને તેમની ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી એન્ટેરિક બેક્ટેરિયલ ચેપ સામેની બે નેક્સ્ટ-જનરેશન રસી ટેકનોલોજી બાયોલોજિકલ E લિમિટેડને સોંપવામાં આવી છે. જેમાં ટાઇફોઇડ રસી કેન્ડીડેટ તરીકે સાલ્મોનેલા ટાઇફી આઉટર મેમ્બ્રેન પ્રોટીન ધરાવતું એક ફ્યુઝન કન્સ્ટ્રક્ટ અને સાલ્મોનેલા ટાઇફી/પેરાટાઇફી તથા શિગેલા ચેપ સામે પુનઃસંયોજિત (રિકોમ્બિનન્ટ) રસીનું સંયોજન સામેલ છે. આ રસીઓ મુખ્ય બેક્ટેરિયલ રોગકારકો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડવા માટે ડિઝાઇનેડ કરવામાં આવી છે.

DHR ના સચિવ અને ICMR ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે આ અંગે જણાવ્યું હતું કે, ICMR જાહેર ભંડોળથી થતા સંશોધનને એવા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા કટિબદ્ધ છે જે લોકોના આરોગ્યમાં સુધારો કરે. મેડિકલ ઇનોવેશન્સ પેટન્ટ મિત્ર અને મેડટેક મિત્ર જેવી માળખાકીય પહેલો દ્વારા સંશોધકો અને ઉદ્યોગો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપીને પેટન્ટ ફાઇલિંગથી લઈને ક્લિનિકલ મૂલ્યાંકન સુધીનો માર્ગ સરળ બનાવાઈ રહ્યો છે. આ નિર્ણયથી ભારત અને સમગ્ર વિશ્વ માટે ગુણવત્તાયુક્ત અને પોસાય તેવા આરોગ્યસંભાળ ઉકેલો ઉપલબ્ધ બનશે અને તબીબી ક્ષેત્રે આત્મનિર્ભરતા મજબૂત થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code