
જેને અહીંનું શિક્ષણ સારૂ લાગતુ ન હોય તો તે ગુજરાત છોડીને સારૂ લાગે ત્યાં જતા રહેઃ જીતુ વાઘાણી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મોડલને રજુ કરવામાં આવી રહ્યું છે જેમાં દિલ્હીમાં સરકારી શાળાઓ અદ્યતન લેબ સાથે ખાનગી શાળાને ટક્કર મારે તેવી બનાવવામાં આવી છે. આપ દ્વારા હિલ્હી જેવી શાળાઓ બનાવવામાં આવશે અને ગુજરાતનું શિક્ષણ ખાડે ગયાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટના એક કાર્યકર્મમાં એવો બફાટ કર્યો હતો કે જેમને અહીંનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તે ગુજરાત છોડીને જ્યાં શિક્ષણ સારૂ લાગે ત્યાં જતા રહે, વાઘાણીના આવી બફાટથી વિપક્ષના નહીં પણ ભાજપના નેતાઓ અચરજ પામી ગયા હતા
રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. આજે રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે.
જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
રાજ્યના શિક્ષણ મંત્રીના બફાટથી આ કાર્યક્રમમાં હાજર વાલીઓ સાંભળતા રહી ગયા હતા. તેમણે પત્રકારોની હાજરીમાં ચોખ્ખુ સંભળાવી દીધું કે, જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે જે દેશમાં જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે. જિતુ વાઘાણીના આવા સંબોધનથી સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું