અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધી ગયો છે. અફઘાન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો અફઘાનિસ્તાન તરફથી પણ તીવ્ર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો પાકિસ્તાન અફઘાન ભૂમિ પર બોમ્બમારી કરશે, તો ઇસ્લામાબાદને નિશાન બનાવવામાં આવશે.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, અફઘાન પક્ષ વાતચીત માટે પ્રતિબદ્ધ હતો, પરંતુ પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ચર્ચામાં સહકાર આપ્યો નહોતો. તેના બદલે પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે પોતાની સુરક્ષાની ગેરંટીની માંગણી કરી હતી. પાકિસ્તાની પ્રતિનિધિઓએ ઇસ્તાંબુલમાં ચાલી રહેલી વાટાઘાટોને ઈરાદાપૂર્વક નિષ્ફળ બનાવી.
તાજેતરના દિવસોમાં બંને દેશો વચ્ચે સીમા પારના હુમલા અને આતંકી પ્રવૃત્તિઓને લઈને તણાવ સતત વધતો રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં થયેલી અથડામણોમાં ઘણા સૈનિકો, નાગરિકો અને આતંકીઓના મૃત્યુ થયા હતા, જેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જો કે, કતાર અને તુર્કીની મધ્યસ્થતામાં 19 ઑક્ટોબરે થયેલી બેઠક બાદ થોડીવાર માટે શાંતિ સ્થાપિત થઈ હતી.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શનિવારે ચેતવણી આપી હતી કે જો ચર્ચાઓ નિષ્ફળ જશે, તો પાકિસ્તાનને અફઘાન તાલિબાન સાથે પૂરું યુદ્ધ લડવું પડી શકે છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મલેશિયામાં યોજાયેલા આસિયાન શિખર સંમેલન દરમિયાન જણાવ્યું કે, તેમને ખબર પડી છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયાસો શરૂ થયા છે અને તેમણે આશ્વાસન આપ્યું કે “અમે આ મુદ્દો ખૂબ જલદી ઉકેલીશું.”
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન તાલિબાન પર આ આરોપ લગાવતું આવ્યું છે કે તેઓ પાકિસ્તાની આતંકીઓને અફઘાન જમીનનો ઉપયોગ સીમા પાર હુમલાઓ માટે કરવા દે છે, જ્યારે કાબુલ આ આરોપોને સતત નકારી કાઢે છે.

