
ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાય તો સપ્તાહ બાદ તબક્કાવાર આંદોલન કરાશે
ગાંધીનગરઃ ઘુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવ્યું છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વિવિધ પડતર માગણીઓનું સમાધાન 30 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર નહીં કરે તો આગામી 3જી સપ્ટેમ્બર એટલે કે આવતા સપ્તાહથી તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારના કર્મચારીઓ તબક્કાવાર વિરોધ કાર્યક્રમ કરશે અને આ આયોજન માટે કર્મચારી મહામંડળ દ્વારા કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે જાહેર કરેલા આંદોલનાત્મક કાર્યક્રમમાં તમામ સરકારી કર્મચારીઓને જોડાઈ જવાનું આહવાન કરાયુ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય બન્યુ છે. અત્રે ઉલ્લેખની એ છે કે ગુજરાત સરકારના કર્મચારીઓના વિવિધ મુદ્દા જેમ કે જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નીતિ, સાતમા પગાર પંચના ભથ્થા, સહિત જુદા જુદા 15 જેટલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે સરકાર સામે બાંયો ચડાવી છે. એટલું જ નહીં કર્મચારીઓના મહામંડળે સરકાર ને 30 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ પણ આપી દીધું છે, બીજી તરફ ગુજરાત સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર મંત્રણા નહીં કરે અને પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ત્રણ સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે સરકાર સામે તબક્કાવાર વિરોધ કાર્યક્રમ આયોજિત કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરેલા વિરોધ કાર્યક્રમમાં 30 ઓગસ્ટ ના રોજ તમામ જિલ્લાઓમાં રેલી સાથે જિલ્લા કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવશે ત્યારબાદ 11 સપ્ટેમ્બરે નક્કી કરેલા ઝોન કક્ષાએ કર્મચારીઓની રેલી કાઢી અને જે તે જિલ્લા કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવશે જ્યારે 17 મી સપ્ટેમ્બરે તમામ કર્મચારીઓ એક સાથે માસ સીએલ ઉપર જશે જ્યારે 22 સપ્ટેમ્બરના રોજ તમામ કર્મચારીઓ પેનડાઉન કાર્યક્રમ કરશે અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખની એ છે કે રાજ્ય સરકારના વિરોધ કાર્યક્રમમાં રાજકોટ સહિત જુનાગઢ ,સુરત, વડોદરા, પંચમહાલ મહેસાણા અને ગાંધીનગરનો ઝોનમાં સમાવેશ કર્યો છે અને આ વિસ્તારોમાં આવતા અન્ય જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓ આંદોલન કાર્યક્રમ કરી સરકાર સામે વિરોધ કરશે. તો બીજી તરફ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે જાહેર કરેલા તમામ વિરોધ કાર્યક્રમનું જિલ્લા વાર રિપોર્ટિંગ કરવાની સૂચના પણ મહામંડળ દ્વારા આપી દેવામાં આવી છે.(file photo)