
જો માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો તે જીવનમાં પરમસુખની પ્રાપ્તી બરાબર
અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં દર બુધવારે અભ્યાસ તથા જ્ઞાન ઉપયોગી પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમની આંતરીક કળા ને બહાર લાવી શકે તેવા કાર્યક્રમો થતાં રહે છે જેમાં આ બુધવારે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષય ઉપર ડીબેટ રાખવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે મધરહૂડ ફાઉંડેશનના પ્રખ્યાત મનોચિકિત્સક બિજલ પંડ્યા ને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત જોડાયેલાં વિદ્યાર્થીઓની ચર્ચાનું સંચાલન સતીષ કુમાર એ કર્યું હતું. વિદ્યાર્થીઓએ એકબીજાની વિષય અનુરૂપ ટિપ્પણીઓ પર પ્રશ્નોત્તરી કરી તથા તર્ક કર્યા હતા. ” માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ” એ શું ખરેખર જરૂરી છે તેનાં સંદર્ભમાં ચર્ચા કરી હતી. આ ચર્ચામાં વિધાર્થીઓએ કહ્યું કે આજનાં સમયમાં લોકો નાની નાની વાતોને ભય, ચિંતા તથા ગભરામણ જેવાં નામ આપી મોટું બનાવી દે છે જો કે વાસ્તવ માં કારણ બીજું જ કંઇક હોય છે. આખી ચર્ચાનો મૂળ સાર એ નીકળ્યો કે આજના સમયમાં લોકોએ વાતો કરવાનું ઓછું કરી નાખ્યું છે તદુપરાંત લોકો પર્સનલ સ્પેસ નાં નામે એકલાં રહેવાનું જાતે પસંદ કરે છે ને પછી જે થાય તેને એકલતા કહે છે, અલબત્ત સોશિયલ મીડિયા પણ માનસિક સ્વાસ્થ્ય બગડવા પાછળ જવાબદાર છે એવું વિદ્યાર્થીઓએ કહ્યું હતું.
કાર્યક્રમનાં મુખ્ય વક્તા શ્રીમતી બિજલ પંડ્યા એ માનસિક સ્વાસ્થ્યનો વિસ્તૃત પરિચય આપ્યો હતો તથા માનસિક સ્વાસ્થ્ય શું છે તે સમજાવ્યું હતું. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓના વધતા જતા દર્દીઓએ કઈ રીતે સ્વસ્થ થવું તેની માહિતી આપી હતી. પ્રાણાયામ ,ધ્યાન તથા હળવી કસરત ખુબ જરૂરી છે તેમ જણાવી તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોનાં જવાબ આપ્યાં અને તેમની સાથે માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે ઉંડાણપૂર્વક ચર્ચા કરી. બિજલ બેનને તેમનાં વક્તવ્યમાં કહ્યું કે, ભુતકાળનાં શ્વાસમાં કે ભવિષ્યનાં શ્વાસમાં જીવ્યાં વગર વર્તમાનનાં શ્વાસમાં જીવો તો આ પ્રકારની એકપણ સમસ્યા થવાની સંભાવના ઘટી જશે.
તેમણે કહ્યું કે, બીજાની પાસે જે છે એ મારી પાસે પણ હોય કે હોવું જોઈએ એની લાહ્યમાં માનસિક સ્વાસ્થ્ય વધારે બગડે છે. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને શ્વાસ લેવાની કસરત અને તેનાથી મન શાંત કેમ કરવું તે પણ જણાવ્યું. કાર્યક્રમનાં અંતમાં સતીષ કુમારે આ ડીબેટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યાં હતાં. આ સંવાદાત્મક કાર્યક્રમમાં સંસ્થાના પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય,નિલેશ શર્મા,ગરીમા ગુણાવત,નાયબ નિયામક ઇલાબેન ગોહિલ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.