Site icon Revoi.in

થાનગઢમાં રતનપર ગામે કોલસાનું ગેરકાયદે ખનન પકડાયુ, ચાર કૂવા સીલ કરાયા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન પકડાયુ છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા માટેના ચાર કૂવાઓ સીલ કરવામાં આવ્યા હતા અને કુલ ₹26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ચોટિલાના પ્રાંત અધિકારી મકવાણાને બાતમી મળી હતી કે, થાનગઢના રતનપર ટીંબા ગામે કોલસાનું ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આથી પ્રાંત અધિકારીએ પોતાની ટીમ સાથે રેડ પાડી હતી. અને ગેરકાયદે કોલસાનું ખનન પકડાયુ હતું. અધિકારીએ જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ચાર કોલસાના લાઇન કુવાઓ, બે ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, એક જનરેટર, એક ડીઝલ મશીન, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

વધુમાં, સ્થળ પર આશરે 35 મજૂરોને રહેવા માટેના કુબા બનાવવામાં આવ્યા હતા. આ કુબામાં રહેતા 50 થી 60 મજૂરોને સમજાવીને આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હતી. મજૂરોને સ્થળ પરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો સામે “ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017” હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.