ગ્લોબલ વોર્મિંગની અસરઃ ભારત અને ચીન ઉપર હિટવેવનો ખતરો
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. તેમજ 2022માં પૂરી દુનિયામાં 19 ટકા જમીની વિસ્તાર ખૂબ જ દુષ્કાળથી અસરગ્રસ્ત રહેશે. 1950થી 1999 સુધીનો આંકડો જોઇએ તો આ આંકડો ક્યારેય પણ 13 ટકાથી વધુ નથી રહ્યો. દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના કારણે હિટવેવનો ખતરો સતત વધી રહ્યો છે. જેથી ખેતી ઉપર પણ અસર પડી રહી છે. ભારત અને ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં ઉપર હિટવેવનો ખતરો મંડાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લાન્સેટ કાઉન્ટ ડાઉને સ્વાસ્થ્ય અને જલવાયુ પરિવર્તનની પોતાના 2021ના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. ભારત એ પાંચ દેશોમાંથી એક છે જ્યાં છેલ્લા 5 વર્ષમાં મોટી વસ્તી પર વધુ અસર પડી છે. આ પ્રકારનો ખતરો સતત વધતો જ જાય છે. ભારત બાદ આ ખતરામાં ચીન, ઇન્ડોનેશિયા, મિસ્ત્ર અને નાઈજીરિયાનો નંબર આવે છે.
હિટવેવના જોખમની વાત કરીએ તો ભારતમાં 1990ની તુલનામાં 2019માં અત્યાધિક ગરમીની ઝપટમાં આવવાની સંભાવના 15 ટકા સુધી અધિક હતી. રિપોર્ટમાં પ્રથમવાર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર હીટવેવની અસરનો અભ્યાસ કરાયો હતો. તેના માટે પાંચ વર્ષ દુનિયાભરના ટવીટર યુઝર્સના 6 અબજથી વધુ ટવીટનું વિશ્લેષણ કરાયું હતું. પરિણામોથી જાણવા મળ્યું કે 2015-2019ની તુલનામાં 2020માં હિટવેવ દરમિયાન લોકોના નકારાત્મક વિચારોમાં 155 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ‘લાન્સેટ’ કાઉન્ટર ડાઉન રિપોર્ટની લેખિકા મારિયા રોમાનેલોએ કહ્યું હતું કે હવે એવો સમય આવી ગયો છે કે કોઇપણ જલવાયુ પરિવર્તનની અસરથી સુરક્ષિત નથી.