
અમદાવાદમાં મેમો બાબતે માથાકૂટ થતાં કારચાલકના સંબધીને TRB જવાને બચકુ ભરી લેતા પોલીસ ફરિયાદ
અમદાવાદઃ પોલીસ જવાનોને લોકો સાથે સારૂ વર્તન કરવાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. ત્યારે જ ટ્રાફિક પોલીસની સહાય માટે મુકેલા ટીઆરબી જવાને એક કાર રોકી હતી. મેમો આપવાની વાત કરી હતી. ત્યારે જ કારચાલકનો ઓળખીતો ત્યાં આવી ગયો હતો. અને મેમો ન આપવા ટીઆરબી જવાનને સમજાવી રહ્યો હતો. ત્યારે જ ઉશ્કેરાઈને ટીઆરબી જવાને તેના હાથ પર બચકું ભરી લેતા તેને હાથમાં લોહી નિકળ્યું હતું. આ બનાવ અંગે નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટી.આર.બી જવાન અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. જેમાં મેમો બાબતે બોલાચાલી થતા ટી.આર.બી જવાને વાહન ચાલકનો પક્ષ લઈને આવેલા ઓળખીતા સાથે ઝપાઝપી કરી અને હાથમાં બચકું ભરી લીધું હતું. જેથી વ્યક્તિના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બાદ ટીઆરબી જવાન વિરુદ્ધ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાતા હાલમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના નરોડા ખાતે રહેતા સોમાજી બારૈયા સાંજે તેમના મિત્રો સાથે નાના ચિલોડ પાસે બેઠા હતા. ત્યારે સામેના રોડ પર તેમના ઓળખીતાની ગાડી ટી.આર.બી જવાને રોકી હતી. જેથી તેઓ ટી.આર.બી જવાનને કહી રહ્યા હતા કે વાહન રોંગ સાઈડમાં નથી માટે તેમને મેમો ના આપવો. આટલું કહેતા ટી.આર.બી જવાન જોરુભા ઉશ્કેરાઈ ગયો હતો અને સોમાજી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ગાળો બોલીને મારામારી કરવા લાગ્યા અને આ દરમિયાન સોમજીને હાથની હથેળી પર બચકું ભરી દીધું હતું. જેથી સોમજીને લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત ટીઆરબી જવાન જોરુભાએ સોમજીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જોરુભાની બે દીકરીને પણ જોરુભાએ બોલાવી હતી, જે એક્ટિવા લઈને આવી હતી. બંને દીકરી હાથમાં દંડો અને પાઇપ લઈને આવી હતી અને સોમજીને ગાળો આપવા લાગી હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. સોમજીએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય બાપ દીકરીઓ સામે ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.