
અમદાવાદમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી,સૌથી ઓછા સમયમાં 1 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યા
- અમદાવાદમાં વેક્સિનેશન ગતિ છે અતિ
- સૌથી ઓછા સમયમાં 1 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યા
- ગુજરાતમાં સૌથી વધુ ડોઝ આપવામાં પ્રથમ નંબર પર
અમદાવાદ:કોરોના મહામારીને રોકવા માટે સરકાર દ્વારા બધાને ઝડપથી વેક્સિન મળે તે માટે અનેક પ્રયાસ કર્યા છે, આવામાં ગુજરાત રાજ્યનું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદ શહેરમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સૌથી વધુ અને ઝડપી વેક્સિનેશનની કામગીરી અમદાવાદ શહેરમાં થઈ રહી છે. મ્યુનિ. એ છેલ્લા 14 મહિનામાં અત્યાર સુધી 99.89 લાખ લોકોને વેક્સિન ડોઝ આપ્યા છે. આગામી એક-બે દિવસમાં આ આંકડો એક કરોડ સુધી પહોંચી જશે.
શહેરમાં દરરોજ સરેરાશ 24 હજાર લોકોને વેક્સિન મૂકાઈ હતી. અમદાવાદ બાદ બીજા નંબરે સુરત શહેરમાં 82.66 લાખ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવા એક માત્ર શસ્ત્ર વેક્સિન સાબિત થઈ છે. કારણ કે, મહત્તમ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોવાથી ત્રીજી લહેરમાં ખૂબ ઓછા લોકોના મૃત્યુ નોંધાયા હતા. વેક્સિનેશન મહાભિયાન અંતરગત અમદાવાદના 80 અર્બન હેલ્થ સેન્ટર અને 80 જેટલી ટીમોના આશરે એક હજારના સ્ટાફે લોકોના ઘરે-ઘરે જઈ વેક્સિનેશનની કામગીરી કરી હતી. આ હિસાબે અમદાવાદમાં 106 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ, 89 ટકા લોકોને વેક્સિનનો બીજો અને 4 ટકા લોકોને પ્રિકોશન ડોઝ મળી ચૂક્યો છે.