Site icon Revoi.in

બનાસકાંઠામાં ભાભર હાઈવે પરના લારી-ગલ્લા સહિતના દબાણો દુર કરાશે

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર પાલનપુર સહિત શહેરોમાં દબાણોને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાઈવે પર આવતા દરેક ગામોમાં લારી-ગલ્લાવાળાઓને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોય છે. જેમાં ભાભર હાઇવે ઉપર કુલ 309 લારી-ગલ્લા અને કાચા-પાકા દબાણો ખડકાયેલા છે. તેથી સબ ડિવિઝન મેજિસ્ટેટ દ્વારા તમામ લારી-ગલ્લાઓને 22મી ઓગસ્ટ સુધીમાં સ્વેચ્છાએ ખસેડી લેવા માટેની મુદત આપવામાં આવી છે. ત્યારબાદ કડક કાર્યવાહી કરીને લારી-ગલ્લાઓ જપ્ત કરવામાં આવશે.

બનાસકાંઠામાં ભાબર હાઇવે પરના ગાય સર્કલથી ન્યૂ એપીએમસી માર્કેટ સુધી રોડની બન્ને બાજુએ દબાણ ખુલ્લું કરવાનું હોઈ દબાણો દૂર કરવા માટે આસિસ્ટન્ટ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સુઈગામ પ્રાન્ત કચેરીના હુકમ મુજબ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં રોડની બન્ને સાઈડમાં રહેલા દબાણો લારી ગલ્લા, શેડ અને પાકા બાંધકામો સ્વેચ્છાએ ખુલ્લા કરી નાખવાં અન્યથા દબાણો દૂર કરવાના સમયે દબાણવાળી જગ્યાએ જે સામાન, વસ્તુઓ, લારી ગલ્લા વગેરે હશે તો તે જપ્ત કરવામાં આવશે. તેમજ દબાણ દૂર કરવા માટે જે ખર્ચ થશે તે દબાણદાર પાસેથી વસુલ કરવામાં આવશે તેવી જાહેર સૂચના નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે અને નગરપાલિકાના વાહન દ્વારા લાઉડ સ્પીકર વગાડી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે સૂચના અપાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાભર હાઈવે પર કુલ 300 થી વધુ દબાણો દૂર કરવાની વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે.તંત્ર દ્વારા લારી ગલ્લા ઉપર રોજરોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાદારીને હંગામી ધોરણે કોઈક વ્યવસ્થા ઉભી કરી ધંધો ચાલુ રહે તેવું આયોજન હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. દબાણવાળી જગ્યાએ જે સામાન,વસ્તુઓ, લારી ગલ્લા વગેરે હશે તો તે જપ્ત કરાશે