
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 32 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. તેમજ વરસાદનું જોર ઘડ્યું છે. દરમિયાન હવામાન વિભાગે તા. 6 જુલાઈથી ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આજે સવારે પુરા થતા 24 કલાકમાં લગભગ 84 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ વિરામ લેતો તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આજે સોમવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો હતો અને ઉઘાડ નીકળ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. સુરત અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. જો કે, 6 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શકયતા જોવા મળતી નથી. રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિયા હોવાનું જાણવા મળે છે.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં તા. 6 જુલાઈ બાદ ફરીથી ભારે વરસાદની શક્યતાઓ વ્યકત કરાઈ છે. આ ઉપરાંત 7 જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ તાપમાનમાં કોઈ વધારો થવાની શકયતા નથી.
રાજ્યમાં ભારે વસાદના પગલે 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે. તેમજ કચ્છના 20 ડેમ 51 ટકા કરતા વધારે ભરાયા છે. તો આ તરફ સરદાર સરોવર ડેમમાં 54 ટકા કરતા વધારે પાણી ભરાયા છે.