Site icon Revoi.in

ગુજરાતમાં હવે ધીમા પગલે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. જોકે હવે રાતના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, એટલે ઘણા વિસ્તારોમાં લોકોને રાતે પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગોના શહેરોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જ્યારે લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુનો વધારો નોંધાયો છે. એકાએક લઘુતમ તાપમાનનો પારો ઉચકાતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. હવે બપોરનું તાપમાન જળવાઈ રહ્યું છે. પણ રાતના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. એટલે હવે રાતે પણ પંખા કે એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 3.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. ગતરોજ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ ઉપરાંત રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ તાપમાનમાં ઉતાર ચડાવ આવી રહ્યો હતો. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં લઘુતમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તથા ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરના મહુવામાં 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ગુજરાતમાં શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે ત્યારે હવે ઠંડીમાં પણ સામાન્ય વધારો નોંધાયો હતો. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Exit mobile version