
ગુજરાતમાં તા. 23મી જુનથી 25મી જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશેઃ શિક્ષણમંત્રી
ગાંધીનગર: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ આગામી તા. 23 થી 25 જૂન દરમિયાન યોજાશે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રી મંડળના સભ્યો, પદાધિકારી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને વધુને વધુ બાળકો શાળાઓમાં પ્રવેશ મંળવે તે માટેની સુચનાઓ તાલુકાના અધિકારીઓને આપી દેવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યભરની 32,013 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં કરાયું છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-1ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીઓ રાજ્યભરના ગામે-ગામ જઇને શાળામાં પ્રવેશપાત્ર ભુલકાંઓનો શાળા પ્રવેશ કરાવશે. આ વર્ષે 84 IAS, 24 IPS અને 15 IFS અધિકારીઓ સહિત વર્ગ-1 ના 356 અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી તા.23મી જૂનને ગુરૂવારે કરાવશે.
શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવના આ સેવાયજ્ઞના બીજા દિવસે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે તેમજ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમિયાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતિ, ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દીકરીઓના શિક્ષણને વેગ આપવા 2003થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે. આના પરિણામે રાજ્યમાં 1990-91માં જે ડ્રોપ આઉટ રેઇટ 64.48 ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને 2020-21માં 3,7 ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, 2004-05માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 95.65 ટકા હતો તે વધીને 2020-21 માં 99.02 ટકા જેટલો ઊંચો ગયો છે. આ વર્ષે કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલા સમય દાન, વિધાર્થીઓ અને શિક્ષકોની 100 ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિધાર્થી ધ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો, કોરોના કાળમાં શિક્ષણ માટે થયેલી ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી.(સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક ધ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારી અને પદાધિકારી ધ્વારા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પણ જોડવામાં આવશે.