નેપાળમાં યુવા નેતા બાલેન શાહનો પક્ષ બહુમતી મેળવવા તરફ અગ્રેસર, ડાબેરીઓનો સફાયો
કાઠમંડુ, 6 માર્ચ, 2026: Nepal Election Results 2026 – નેપાળમાં જેન-ઝીની સત્તા પરિવર્તનની ક્રાંતિ પછી ગઈકાલે ગુરુવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આવવાના શરૂ થઈ ગયાં છે. પરિણામના પ્રારંભિક વલણ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, એ હિંસક ક્રાંતિ દરમિયાન યુવાનોના ફેવરેટ નેતા તરીકે ઉભરી આવેલા કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન શાહનો પક્ષ બહુમતી બેઠકો ઉપર આગળ છે. નેપાળના યુવાનોએ હિંસક ક્રાંતિ દરમિયાન જે ડાબેરીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી તેઓ આ ચૂંટણીમાં ઘણા પાછળ રહી ગયા છે.
નેપાળમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી (Vote Counting) ચાલુ છે અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. 86 બેઠકો પર લીડ મેળવવાની સાથે બાલેન શાહની પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. ઝાપા મતવિસ્તારમાં શરૂઆતી મતગણતરીના વલણોમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર બાલેન્દ્ર શાહ આગળ ચાલી રહ્યા છે. Gen-Z ના ફેવરિટ એવા બાલેન્દ્ર શાહે પૂર્વ વડાપ્રધાન ઓલીને ઘણા પાછળ છોડી દીધા છે. કોસી, મધેશ, બાગમતી, લુમ્બિની સહિત લગભગ તમામ પ્રાંતોમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી પોતાની લીડ જાળવી રહી છે.
આ પણ વાંચોઃ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો
કમલ ગ્રામીણ નગરપાલિકાના બસબારી સ્કૂલ મતદાન કેન્દ્ર (A અને B) અને ગૌરાદહા ગ્રામીણ નગરપાલિકાના મોતી સ્કૂલ મતદાન કેન્દ્ર (A અને B) માં પડેલા 1,400 મતોમાંથી બાલેન્દ્ર શાહને 814 મત મળ્યા છે. CPN-UML ના ઉમેદવાર અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી 384 મતો સાથે બીજા સ્થાને છે.
નેપાળની પ્રતિનિધિ સભાની ચૂંટણી ગુરુવારે સંપન્ન થઈ હતી. ત્યારબાદ મોડી રાત્રે જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. ચૂંટણી પંચે મતગણતરી શરૂ થયાના 24 કલાકની અંદર સીધી 165 બેઠકો (FPTP) નાં પરિણામો જાહેર કરવાનો દાવો કર્યો છે. તેમણે તેની સાથે એમ પણ કહ્યું કે પહાડી વિસ્તારોમાંથી મતપેટીઓ એકઠી કરીને મતગણતરી કેન્દ્રો સુધી લાવવામાં ઓછામાં ઓછો એક દિવસનો સમય લાગે છે, તેથી બાકીનાં પરિણામો પછીથી જાહેર કરવામાં આવશે.
મુખ્ય મીડિયા હાઉસ ‘દ કાઠમંડુ પોસ્ટ’ ના જણાવ્યા અનુસાર, કાર્યવાહક મુખ્ય ચૂંટણી કમિશનર રામ પ્રસાદ ભંડારીએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે મતદાનની ટકાવારી 65% થી વધુ રહેવાની શક્યતા છે. નેપાળમાં ગુરુવારે પ્રતિનિધિ સભા માટે સવારે 7 વાગ્યાથી 77 જિલ્લાઓમાં 23,000 કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર 2025માં થયેલા Gen-Z વિદ્રોહ પછીની આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે.


