Site icon Revoi.in

વડોદરામાં ઘરમાં ઘુંસી તિજોરી તોડીને તસ્કરો ચોરી કરતા હતા, ત્યારે પરિવારના સભ્યો આવી ગયા

Social Share

વડોદરાઃ શહેરમાં રહેતો એક પરિવાર પોતાના મકાનને તાળા મારીને કોઈ સામાજિક પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન મોડી રાતે તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને તિજારી તોડીને ચોરી કરી રહ્યા હતા ત્યારે ચોરી થયાની જાણ થતાં અને બે તસ્કરો ઉપરના માળે હોવાની જાણ થતાં જ પરિવારના સભ્યોએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. લોકોના ટોળાએ બન્ને તસ્કરોને પકડીને મુંઢ માર માર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોના ટોળાંમાંથી તસ્કરોને છોડાવવા પોલીસને બે હાથ જોડવા પડ્યા હતા. પોલીસે બન્ને તસ્કરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં શામળ બેચરની પોળમાં ગઈ મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે ગયો હતો. આ સમયે મોકાનો ફાયદો લઈને બે તસ્કર જાળી અને બારણું તોડી ઘરમાં ઘૂસ્યા હતા. તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા, તે સમયે જ પરિવાર પરત ઘરે આવી ગયો હતો. ઘરનો વેરવીખેર સામાન જોઈને પરિવારના સભ્યોને ચોરીની શંકા જતાં તપાસ કરતા બે ચોર ઉપરના રૂમમાં બેઠા હતાં. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયાં હતાં અને પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ હતી. સિટી પોલીસની ટીમ જ્યારે તસ્કરોને ઘરમાંથી બહાર કાઢ્યા ત્યારે હાજર લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જોકે, પોલીસે ચોરને ન મારવા માટે લોકોને સમજાવ્યા હતા. આ સમયે ઘરમાં બાળકો ગભરાઈને રડવા લાગ્યા હતા. સિટી પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સિટી પોલીસ સ્ટેશનની ટીમે બંને તસ્કરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ઘટના સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ? તેની તપાસ કરી રહી છે. આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા ફેલાવી છે. સાથે જ પરિવારની સજાગતાને કારણે ચોરો પકડાઈ ગયા છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરવા અપીલ કરી છે.

Exit mobile version