વડોદરા, 9 એપ્રિલ 2026: Scorpio car breaks through wall and enters house શહેરમાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના આકોટા વિસ્તારમાં સર્જાયો હતો. સ્કોર્પિયોકારના ચાલકે નશો કરેલી હાલતમાં પૂર ઝડપે કાર ચલાવીને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પિયોકાર રોડ સાઈડ પર આવેલા એક મકાનના કમ્પાઉન્ડ વોલ તોડીને મકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે જે પી રોડ પોલીસ ઘટના દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના આકોટા વિસ્તારમાં પ્રોડક્ટિવિટી રોડ પર અક્ષરધામ સોસાયટી નજીક સ્કોર્પિયોકારના ચાલકે નશો કરેલી હાલતમાં પૂર ઝડપે કાર ચલાવીને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પિયોકાર રોડ સાઈડ પર આવેલી સોસાયટીના એક મકાનના કમ્પાઉન્ડ વોલ તોડીને મકાનમાં ઘૂસી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દાડી આવ્યો હતો. શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન નાજાભાઈએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 112 જનરક્ષક ટીમમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આ દરમિયાન તેમની ટીમ અકોટા પ્રોડક્ટિવિટી રોડ સ્થિત અક્ષરધામ સોસાયટી ખાતે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર સોસાયટીના મકાન નં. A-11ની દિવાલ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. કારના સ્ટીયરિંગ પર બેઠેલા વ્યક્તિને નીચે ઉતારી પૂછપરછ કરતાં તેના મોઢામાંથી દારૂ જેવી વાસ આવતી હતી. આથી કારચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પંચોના હાજરમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની કાર કબજે કરી છે અને પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે, સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કુદાવીને આ બાજુ આવી ગયો હતો. બધાનું કહેવું એવું છે કે તે પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું. પોલીસ તે એક શખ્સને પકડી ગઈ છે. અમારા ઘરની આખી દીવાલ તૂટી ગઈ છે. દીવાલ તો ફરી બની જશે, પણ કોઈ જાનહાનિ નથી થઈ તે મોટી વાત છે. સવારના સમયે આ રોડ પર ચાલવા નીકળતા લોકોની ભીડ બહુ હોય છે.

