1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ
રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ

રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ

0
Social Share

અમરેલીઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023″ને ખુલ્લો મુક્યો હતો.  આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્ધબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. જળ એ જ જીવન છે. જળ વગર ખેતીવાડી, પશુપંખી, જીવસૃષ્ટિ, સચરાચરની કલ્પના થઈ શકે નહીં. આગામી દિવસોમાં રાજ્યને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો મુખ્યમંત્રીનો સંકલ્પ છે. આ સંકલ્પ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજા પ્રદેશની સરકારો માટે પણ પ્રેરણારૂપ બનશે.

અમરેલીમાં થયેલા જળસંચયના ભગીરથ કાર્યને ટૂરિઝમ ક્ષેત્ર તરીકે વિકસાવવાનો વિચાર વ્યક્ત કરતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, અહીં સરકારી ખરાબાની જમીન પરથી બાવળ દૂર કરીને વિવિધ વૃક્ષો ઉછેરીને જંગલને હર્યું ભર્યું બનાવવાનું કાર્ય કરી શકીએ. જેનાથી વરસાદ વધશે. સાથે પર્યાવરણ પણ સુધરશે. રાજ્યપાલએ કહ્યું હતું કે, વિકસિત રાજ્યની સંકલ્પના સાકાર કરવા ઔદ્યોગિક ક્રાંતિની ઝડપ વધારવામાં આવશે. તેનો આધાર વીજળી અને પાણી છે. તેના અભાવને કાયમ માટે રાજ્યમાંથી દૂર કરવામાં આવશે.

આ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે. પણ આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીને પાણીથી ભરી દેવાઈ છે, તેવું સરસ આયોજન રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થયું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી નર્મદાના પાણીનો એવો ઉપયોગ થયો છે કે, ગુજરાત હરિયાળું બન્યું છે. એ પછી રાજ્યમાં 24 કલાક વીજળીની વ્યવસ્થા ઊભી કરી છે. સેવા અને સુશાસન વડાપ્રધાનનો કાર્યમંત્ર રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આરોગ્ય, માળખાકીય સુવિધા, આર્થિક ક્ષેત્રે થયેલા વિકાસની વિગતો આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 2006 માં ધોરડોમાં રણોત્સવના પ્રારંભ વખતે નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, અહીં દેશ દુનિયાના લોકો આવશે. હાલમાં જ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટૂરિઝમ જાહેર કર્યું છે.  અહીં પણ જળ ઉત્સવ શરૂ થયો છે ત્યારે અનેક લોકો અહીં આવશે.

વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતને વિકસિત બનાવવાનું છે. આ માટે નાનામાં નાના, છેવાડાના માણસને સરકારી મળવાપાત્ર બધી યોજનાઓનો લાભ મળે તેવા સેચ્યુરેશન પોઈન્‍ટ સાકાર કરવાના પ્રયત્નો આ યાત્રામાં કરાઈ રહ્યા છે. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ ગુજરાત વિકસિત બનશે.  સરકારના પ્રયાસોના કારણે આજે લોકોને પાણી મળતું થયું છે પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ના સર્જાય તે માટે જળસંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની યોજના અમલમાં મુકી છે. જેને ગુજરાત સરકારે સાકાર કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જળ સંચય અને જળ સંરક્ષણ સાથે જળ જતન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ “પાણીને પ્રસાદની જેમ વાપરવા” કરેલા આગ્રહનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ બધાને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની પણ અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં લાઠી લીલીયાના ખારાપાટમાં પી.પી.પી. ધોરણે ગાગડિયો નદી ઊંડી પહોળી કરવાનું ડીસિલ્ટિંગ કરવાનું કામ થયું છે. આ કાર્ય થકી ખારાપાટમાં જળ ક્રાંતિ આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાણીનું મહત્વ સમજીને જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે, દેશમાં વોટર ગવર્નન્સ દ્વારા જળ સંરક્ષણના કર્યો થઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code