 
                                    અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઓનરકિંલિંગની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોએ સમાજના આગેવાનો સમક્ષ યુવાનને સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં યુવાનને ઢોર માર મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. સમાજના પંચ સમક્ષ થયેલી ઓનરકિલિંગની ઘટનાને પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. પોલીસે હત્યાના કેસમાં સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

(મૃતક યુવાન)
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના આસલોના યુવક સંજય ભૂંસારા અને એક યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતો. જો કે, પરિવારજનો લગ્ન માટે સહમત ના થતા બંને લીવ ઈન રિલેશનશીપ રહેતા હતા. દરમિયાન સમગ્ર ઘટના સમાજના પંચ સુધી પહોંચ્યો હતો. નક્કી થયેલા તારીખ અને સમયે સમાધાન માટે યુવતીના પરિવાર તરફથી 7 લોકો તેમજ આ પક્ષે સમાધાન પંચની સાથે સંજય ભૂંસારા હાજર થયો હતો. સમાધાન માટે બેઠેલા સમાજના પંચની સામે એકાએક મામલો બીચક્યો હતો.
(આરોપીઓ)
દરમિયાન યુવતીના પરિવારજનોએ અગાઉના આયોજન પ્રમાણે યુવકને પંચ સામે જ ઢોર માર માર્યો હતો. પંચના આગેવાનો પણ યુવાનને મુક્ત કરાવી શક્યા ન હતી. યુવાન ઉપર હુમલો કરીને યુવતીના પરિવારજનો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સમાજના આગેવાનો હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, શરીરના અંદરના ભાગે ખૂબ જ ઈજાઓ થતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
સમગ્ર મામલે સમાધાન પંચ પણ સવાલો ઉઠી રહ્યા છે અને સમગ્ર ઘટનામાં પંચના સભ્યોની સંડોવણી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધીને હત્યા કરનારા યુવતીના પરિવારના સાત સભ્યોની ધરપકડ કરી હતી. તેમજ તેમના રિમાન્ડ મેળવવા માટે કવાયત આરંભી હતી. પોલીસે મૃતક યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી તરફ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												
 
	

