Site icon Revoi.in

પૂત્રના લગ્નમાં પિતાને મળેલા ચાંદલાની રકમ પર ઈન્કમટેક્સ લાગી શકે નહીઃ એપલેટ ટ્રિબ્યુનલ

income tax
Social Share

અમદાવાદઃ લગ્ન પ્રસંગોમાં ભેટ-સૌગાત મળતી હોય છે. અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. લગ્નોમાં મળતી ભેટ-સૌગાત કે ચાંદલાની રકમ પર ઈન્કટેક્સ લાગી શકે કે કેમ? આવા એક કેસમાં ઇન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ મહત્ત્વના એક ચુકાદો આપ્યો છે. અમદાવાદના એક પિતાને પુત્રના લગ્ન પ્રસંગે સગાં-સંબધીઓ પાસેથી આશરે રૂ.4 લાખ રોકડમાં ચાંલ્લો મળ્યો હતો. ઇન્કમટેક્સની તપાસ દરમિયાન આ રકમને અસ્પષ્ટ આવક ગણાવી ટેક્સ વસૂલવાનો પ્રયાસ થયો હતો. પરંતુ કરદાતાએ દલીલ કરી કે લગ્ન પ્રસંગે મળતી ભેટ સાંસ્કૃતિક પરંપરા છે. અંતે, ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે દલીલ સ્વીકારી ટેક્સ વિભાગના દાવાને ફગાવી દીધો હતો.ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય પરંપરા મુજબ લગ્ન પ્રસંગમાં મળતી ભેટ એક સામાજિક પ્રથા છે, રોકડ ભેટને અનપેક્ષિત આવક ગણી ટેક્સ ન લેવાય. આ ચુકાદાથી રૂ.4 લાખના ચાંલ્લા પર કોઈ ટેક્સ નહીં વસૂલી શકાય,

આ કેસની વિગત એવી હતી કે, અમદાવાદના એક કરદાતાના પુત્રના લગ્ન હતા, જેમાં તેમને રોકડમાં આશરે ₹4 લાખનો ચાંલ્લો મળ્યો હતો. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ દરમિયાન, આ રકમને ‘અસ્પષ્ટ આવક’ (unexplained income) ગણાવીને તેના પર ટેક્સ વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, કરદાતાએ આ સામે દલીલ કરી કે લગ્ન પ્રસંગે મળતી ભેટ એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે, અને તેને આવક ગણી શકાય નહીં બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, ઈન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે કરદાતાની દલીલ સ્વીકારી હતી. ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય પરંપરા મુજબ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં રોકડ ભેટ આપવી એ એક સામાજિક પ્રથા છે. આ પ્રકારની ભેટને ‘અણધારી આવક’ (unexpected income) ગણી શકાય નહીં અને તેના પર ટેક્સ લાદી શકાય નહીં. આ નિર્ણયને કારણે, ₹4 લાખના ચાંલ્લા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલી શકાશે નહીં.

આ ચુકાદો સામાન્ય કરદાતાઓ માટે ખૂબ જ રાહતરૂપ છે, કારણ કે તે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓની સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓને લગતી આવક પર ટેક્સ વસૂલવાના પ્રયાસોને અટકાવશે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, આવા ચુકાદા સામાન્ય કરદાતા માટે રાહતરૂપ છે. પરંતુ મોટી રકમની ભેટ મળે તો તે અંગે પૂરતા દસ્તાવેજી પુરાવા રાખવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં ઇન્કમ ટેક્સને સ્પષ્ટતા આપી શકાય.

Exit mobile version