Homeગુજરાતીદેશ-વિદેશલાલ સમુદ્રમાં હૂતીઓનો વધતો હસ્તક્ષેપ: MBS ની અમેરિકી હસ્તક્ષેપની માંગને ટ્રમ્પે કેમ...

લાલ સમુદ્રમાં હૂતીઓનો વધતો હસ્તક્ષેપ: MBS ની અમેરિકી હસ્તક્ષેપની માંગને ટ્રમ્પે કેમ ફગાવી?

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: લાલ સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓની દિનપ્રતિદિન વધતી જતી તાકાતે હવે સાઉદી અરેબિયાને સીધા જ અમેરિકાના દરવાજા ખટખટાવા માટે મજબૂર કરી દીધું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સાઉદી અરેબિયાના ક્ર્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક નહીં પરંતુ બે-બે વખત ફોન કરીને હૂતીઓ વિરુદ્ધ સૈન્ય હુમલો કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે, આખરે ટ્રમ્પે આ અપીલ કેમ ફગાવી દીધી અને અમેરિકા આ સીધા યુદ્ધમાં ઉતરવાથી કેમ કતરાઈ રહ્યું છે?

હૂતી વિદ્રોહીઓએ થોડા સમય પહેલા જ મોચા શહેર પર પોતાનો કબ્જો જમાવી લીધો છે અને તેઓ સતત ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે સાઉદી સમર્થિત યમની દળો પીછે હટ કરી રહ્યાં છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકી અધિકારીઓના હવાલાથી ‘એક્સીઓસ’ના અહેવાલમાં ખુલાસો થયો છે કે, MBS એ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરીને સમગ્ર સ્થિતિથી વાકેફ કર્યા હતા. થોડા કલાકો બાદ પ્રિન્સ MBS એ ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને હૂતીઓ સામે ડાયરેક્ટ એર સ્ટ્રાઈક કરવા માટે માંગણી પુનઃ ઉચ્ચારી હતી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યમનમાં વધી રહેલા સંઘર્ષને લઈને પોતાની ચિંતા તો વ્યક્ત કરી, પરંતુ આ સશસ્ત્ર જૂથ વિરુદ્ધ પ્રત્યક્ષ સૈન્ય હુમલો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાકિસ્તાન અને તુર્કીએ પણ ‘મક્કા પૅક્ટ’ પછી સાઉદી અરેબિયાને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પડકારો વચ્ચે વોશિંગ્ટન પ્રશાસને સાઉદી અરેબિયાને ગુપ્તચર માહિતી અને ટાર્ગેટીંગ ડેટા પૂરા પાડવાની સહમતિ દર્શાવી છે. અહેવાલો મુજબ અંદાજે 200 જેટલા અમેરિકી સૈન્યકર્મીઓ પહેલેથી જ સાઉદી અરેબિયામાં બિન-ગતિશીલ સહાયતા પૂરી પાડી રહ્યા છે.

  • MBS ને અમેરિકાની તાતી જરૂર કેમ પડી?

હૂતીઓની આ આક્રમક આગળ વધી રહેલી ગતિવિધિઓ હવે માત્ર યમનની સ્થાનિક લડાઈ પૂરતી મર્યાદિત નથી રહી. હૂતી લડાયકો વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યા હોવાથી તેઓ વૈશ્વિક વેપાર અને સાઉદી અરેબિયાના તેલ નિકાસ માટે અતિશય સંવેદનશીલ ગણાતા ‘બાબ અલ-મંદેબ’ જળડમરૂમધ્યની વધુ નજીક પહોંચી રહ્યા છે. હૂતીઓની આ પ્રગતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આ મામલો એટલા માટે પણ અત્યંત સંવેદનશીલ છે કારણ કે ઈરાન પહેલેથી જ ‘હોર્મુઝ જળડમરૂમધ્ય’ ના માધ્યમથી દરિયાઈ આવાગમન અને વ્યાપાર પર દબાણ બનાવી રહ્યું છે. જો આવા સંજોગોમાં હૂતીઓનો ‘બાબ અલ-મંદેબ’ પર કબ્જો જામી જાય, તો ઈરાન પાસે અમેરિકા અને તેના ખાડીના સહયોગી દેશો પર દબાણ લાવવા માટે વધુ એક શક્તિશાળી હથિયાર હાથ આવી જશે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર શુક્રવારે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે તાત્કાલિક ધોરણે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. જોકે, વોશિંગ્ટન સ્થિત સાઉદી દૂતાવાસ અને વ્હાઈટ હાઉસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

  • ટ્રમ્પે સીધો સૈન્ય હુમલો કરવાનું કેમ ટાળ્યું?

અમેરિકા હાલના તબક્કે હૂતીઓ સામે સીધા સશસ્ત્ર યુદ્ધમાં કૂદવાથી બચી રહ્યું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટનની મુખ્ય પ્રાથમિકતા લાલ સમુદ્રમાં વેપારી જહાજોની અવરજવરને સુરક્ષિત અને ખુલ્લી રાખવાની છે, જ્યારે યમનના વ્યાપક ગૃહયુદ્ધ અને સંઘર્ષને સંભાળવાની જવાબદારી તેઓ પ્રાદેશિક સહયોગીઓ પર જ છોડવા માંગે છે.

સાઉદી અરેબિયા જ્યાં હૂતીઓની તાકાતને ડામવા માટે અમેરિકી સૈન્ય હસ્તક્ષેપની અપેક્ષા રાખી રહ્યું છે, ત્યાં ટ્રમ્પ પ્રશાસન મધ્ય પૂર્વમાં નવો મોર્ચો ખોલવાનું જોખમ લેવા માંગતું નથી. આ જ કારણ છે કે, અમેરિકા પ્રત્યક્ષ મિસાઈલ હુમલા કરવાના બદલે ગુપ્તચર અને મર્યાદિત લશ્કરી સહયોગ પૂરતો જ પોતાનો સીમિત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular