
ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુઝાહીદ્દીનના નામમાં પણ INDIA: વિપક્ષ ઉપર PMના પ્રહાર
નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે લોકસભા અને રાજ્યસભાના ચોમાસા સત્રમાં વિપક્ષ દ્વારા સતત હંગામો મચાવવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપાએ સંસદીય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વિપક્ષી એકતાના ગઠબંધનના નામ I.N.D.I.A મામલે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિયા નામ લગાવી લેવાથી નથી ચાલતુ, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ ઈન્ડિયા હતું. ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઈન્ડિયા આવે છે.
પીએમ મોદીએ વિપક્ષ ઉપર વધારે પ્રહાર કરતા કહ્યું હતું કે, વિપક્ષ વેરવિખેર છે અને હતાશ છે. વિપક્ષના વર્તનનને જોઈને લાગે છે કે તેમને લાંબા સુધી સત્તામાં આવવાની ઈચ્છા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં 15મી ઓગસ્ટના રોજ દરેક ઘરે તિરંગો લગાવવાના કાર્યક્રમને લઈને પણ જાણકારી આવી હતી.
સંસદના ચોમાસુ સત્રમાં આ પ્રથમ સંસદીય દળની બેઠક છે. આ બેઠક સંસદની લાઈબ્રેરી બિલ્ડીંગમાં યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના ભાજપના તમામ કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સંસદનું હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે પરંતુ મણિપુરની ઘટનાને લઈને વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ પીએમ મોદીનું નિવેદન અને લંબાણપૂર્વકની ચર્ચાની સતત માંગણી કરી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે ચર્ચા માટે તૈયારીઓ દર્શાવી હતી. પરંતુ વિપક્ષ આ અંગે પીએમ મોદીના નિવેદનની માંગણી લઈને વિરોધ કરી રહ્યું છે.