Site icon Revoi.in

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પ્રોપગેંડા ફેલાવતી બાંગ્લાદેશની ચાર ન્યૂઝ ચેનેલ ઉપર ભારતે ફરમાવ્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન સામે કાર્યવાહી વચ્ચે, ભારતે બાંગ્લાદેશ સામે પણ કાર્યવાહી કરી છે. ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ફેલાવવા બદલ 4 બાંગ્લાદેશી મીડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ખુલાસો બાંગ્લાદેશી મીડિયા દ્વારા જ કરવામાં આવ્યો છે. ભારતની આ કાર્યવાહીથી બાંગ્લાદેશ ચોંકી ગયું છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ભારતમાં બાંગ્લાદેશની 4 ન્યૂઝ ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જમુના ટીવી, એક્ટર ટીવી, બાંગ્લાવિઝન અને મોહોના ટીવીનો સમાવેશ થાય છે. આ અઠવાડિયે ભારતે બાંગ્લાદેશને વધુ એક ઝટકો આપ્યો. ભારતે બે દિવસ પહેલા સરહદ પાર કરીને 123 બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલ્યા હતા.

આ ચેનલ યુદ્ધ દરમિયાન ભારત વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવી રહી હતી, ત્યારબાદ ભારતે યુટ્યુબને આ ચેનલો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. ભારત તરફથી ઓર્ડર મળતાની સાથે જ યુટ્યુબે આ ચેનલો સામે તપાસ શરૂ કરી દીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ચેનલો ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહી હતી.

યુટ્યુબ તરફથી આ ચેનલોને નોટિસ પણ મોકલવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સાચો જવાબ ન મળે તો આ ચેનલોને બાંગ્લાદેશમાંથી પણ દૂર કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 4 ચેનલો ઉપરાંત, બાંગ્લાદેશની 34 અન્ય મીડિયા સંસ્થાઓની પણ તપાસ કરવામાં આવી છે. આ બાંગ્લાદેશી ચેનલો પર પ્રતિબંધ મૂકતા પહેલા, ભારતે યુટ્યુબ પર 16 પાકિસ્તાની ન્યૂઝ ચેનલો બ્લોક કરી દીધી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત અને પાકિસ્તાનના તણાવ પર કોઈ વલણ અપનાવ્યું નથી. અત્યાર સુધી બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે યુનુસની સરકારે ચોક્કસપણે કેટલાક પગલાં લીધા છે, જે તેનો ડર દર્શાવવા માટે પૂરતું છે. યુનુસની સરકારે સરહદી વિસ્તારોમાં પોતાની લશ્કરી સુરક્ષા મજબૂત બનાવી છે. તેમજ હિન્દુઓ પર કોઈ હુમલો ન થાય તેની ખાતરી કરવા માટે એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા એક મોટો મુદ્દો રહ્યો છે.

Exit mobile version