
ભારતને અમેરિકાના નેતૃત્વ પર ભરોસો નથી: નિક્કી હેલીનો પ્રેસિડેન્ટ બાઈડન પર કટાક્ષ
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આવી રહી છે. તેના કારણે રાજકીય નિવેદનબાજી પણ વધી છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં સામેલ નિક્કી હેલીએ ભારત પર મોટું નિવેદન આપ્યું છે.
નિક્કી હેલીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડનનું નામ લીધા વગર કટાક્ષ કર્યો છે કે ભારત અમેરિકાની સાથે ભાગીદાર બનવા માંગે છે, પરંતુ હાલ તેમને અમેરિકાના નેતૃત્વ પર ભરોસો નથી. ભારતીય મૂળના અમેરિકી અને રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવારની રેસમાં સામેલ નિક્કી હેલીએ એમ પણ કહ્યું છે કે નવી દિલ્હીએ હાલની વૈશ્વિક સ્થિતિમાં ચતુરાઈથી વ્યવહાર કર્યો છે અને રશિયાની સાથે નજીક જઈ રહ્યું છે.
ફોક્સ બિઝનેસ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં 51 વર્ષીય નિક્કી હેલીએ કહ્યું છે કે હાલ ભારત અમેરિકાને કમજોર માને છે. તેમણે કહ્યું છે કે મેં ભારતની સાથે પણ ડીલ કરી છે. મેં મોદી સાથે વાત કરી છે. ભારત આપણું પાર્ટનર બનવા માંગે છે અને તે રશિયાની સાથે પાર્ટનર બનવા માંગતું નથી.
નિક્કી હેલીએ કહ્યું છે કે સમસ્યા એ છે કે ભારતને આપણા નેતૃત્વમાં ભરોસો નથી.
નિક્કી હેલીએ કહ્યું છે કે સમસ્યા એ છે કે ભારતને આપણા નેતૃત્વ પર ભરોસો નથી. તે હાલ જોઈ રહ્યા છે કે આપણે કમજોર છીએ. તેમણે કહ્યુ છે કે ભારત હંમેશા ચતુરાઈથી રમ્યું છે અને તે તેથી રશિયાની સાથે ઘનિષ્ઠતાથી ટકેલું છે, કારણ કે અહીંથી જ તેમને પોતાના ઘણાં બધાં સૈન્ય ઉપકરણો મળે છે.
રિપબ્લિકન નેતાએ ફોક્સ બિઝનેસ ન્યૂઝને કહ્યુ છે કે ભારતે ચીન પર ઓછું નિર્ભર થવા માટે ખુદને એક અબજ ડોલરનું પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યુ છે કે અમેરિકાને પણ આવું કંઈક કરવું પડશે અને પોતાનું ગઠબંધન બનાવવાની શરૂઆત કરવાની જરૂરત છે.
નિક્કી હેલીએ કહ્યું છે કે ચીન આર્થિકપણે સારું પ્રદર્શન કરી રહ્યું નથી અને અમેરિકાની સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે ચીન વર્ષોથી આપણી સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તે તેમની સૌથી મોટી ભૂલ છે.