નવી દિલ્હીઃ અફગાનિસ્તાનમાં ફરી એક વાર ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. પાકિસ્તાનની સરહદની નજીક દક્ષિણ-પૂર્વી અફગાનિસ્તાનમાં આવેલ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી, જ્યારે કેટલીક એજન્સીઓએ તેની તીવ્રતા 6.3 નોંધાવી છે. ભૂકંપના જોરદાર ઝટકાઓ બાદ લોકો દહેશતમાં ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે અફગાનિસ્તાનને મદદ કરવાની ખાતરી આપી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ‘એક્સ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “અફગાનિસ્તાનના કુનર પ્રાંતમાં આવેલ વિનાશકારી ભૂકંપ ચિંતાજનક છે. આ મુશ્કેલ સમયમાં અમે અફગાન જનતા સાથે એકતા દર્શાવીએ છીએ. ભારત શક્ય તમામ સહાયતા પહોંચાડશે. મૃતકોના પરિવારજનોને સંવેદના અને ઘાયલોના જલ્દી આરોગ્યલાભ માટે પ્રાર્થના કરીએ છીએ.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, “અફગાનિસ્તાનમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી મને અત્યંત દુઃખ થયું છે. આ કપરા સમયે અમારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ભારત પ્રભાવિત લોકોને માનવીય સહાયતા અને રાહત આપવા તૈયાર છે.”