નવી દિલ્હીઃ પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત મંડપમાં આયોજીત ઈન્ડો-રૂસ બિઝનેશ ફોરમમાં હાજર રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની આર્થિક પ્રગતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની મુક્ત નીતિની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા લાંબા સમયથી ભરોસાપાત્ર વેપારી ભાગીદાર રહ્યા છે અને આર્થિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કરી રહ્યા છે.
પુતિને બંને દેશો વચ્ચેના મજબૂત વેપારી સંબંધો પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, વેપાર સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં 80%ની રેકોર્ડ વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે રશિયા-ભારત વેપાર 64 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. પુતિને વડા પ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણપણે સ્વતંત્ર નીતિ અપનાવી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરી રહ્યું છે.” તેમણે સ્પષ્ટતા કરી કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત કોઈ દબાણમાં આવશે નહીં. મોદીની આર્થિક નીતિઓનો દેશને મોટો લાભ મળી રહ્યો છે. પુતિને ભાર મૂક્યો કે ભારત અને રશિયા બંને મોટા બજારો છે, અને બંને દેશો વચ્ચે વેપારના નવા રસ્તા ખુલશે.

