
યુરોપીયન દેશોને ઓઈલની નિકાસમાં ભારત ટોપ ઉપર, પ્રતિ દિન બે લાખ બેરેલથી વધુની નિકાસ
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને પગલે રશિયા ઉપર અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ વધારે મજબુત બન્યાં છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોના વિરોધ છતા ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલની ખરીદીની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં રશિયા પાસેથી ભારત મોટી માત્રામાં ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે, દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, પહેલા રશિયા પાસેથી મોટી માત્રામાંથી ક્રુડ ઓઈલની ખરીદી કરતું યુરોપીયન દેશો હાલ ભારત પાસેથી રિફાઈન ઓઈલની ખરીદી કરી રહ્યું છે. તજજ્ઞોના મતે, યુરોપીયન દેશોને રિફાઈન ઓઈલ ખરીદીમાં ભરત સપ્લાય કરવામાં સાઉદીને પણ પાછળ પાડી દીધું છે, યુરોપીયન દેશોને ઓઈલ સપ્લાય કરવાના મામલે ભારત ટોપ ઉપર છે. આમ ભારતની કુડનીતિને પગલે ઓઈલની નિકાસમાં વધારો થયો છે. હાલ ભારતમાંથી યુરોપીયન દેશમાં 200,000 બેરલ પ્રતિ દિવસ નિકાસ થતી હોવાનું જાણવા મળે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પશ્ચિમી દેશો રશિયાનો બહિષ્કાર કર્યો છે. યુરોપિયન યુનિયન (EU) એ ગયા વર્ષે ડિસેમ્બરમાં યુક્રેન પર હુમલાને પગલે રશિયન ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો. બે મહિના પછી, તેના શુદ્ધ તેલ ઉત્પાદનો પર આ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો પહેલા યુરોપ તેની જરૂરિયાતના લગભગ 30 ટકા તેલ રશિયા પાસેથી ખરીદતું હતું, પરંતુ આ પ્રતિબંધો હોવા છતાં, યુરોપમાં રશિયન તેલનો પુરવઠો ચાલુ છે. રશિયન ક્રૂડ ઓઈલ હવે ભારત મારફતે યુરોપિયન માર્કેટમાં પહોંચી રહ્યું છે. આના દ્વારા ભારતની ઓઈલ રિફાઈનરીઓને મોટો નફો થવાની અપેક્ષા છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં સતત વધારો કર્યો છે.
રિપોર્ટ અનુસાર. ભારતીય ઓઈલ રિફાઈનરીએ યુરોપના મોટા બજાર પર કબજો જમાવ્યો છે. શિપિંગ ડેટા, જેટ ફ્યુઅલ અને ડીઝલની દેખરેખ રાખતી ફર્મના જણાવ્યા અનુસાર રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા ભારતમાંથી યુરોપિયન દેશોમાં 154,000 બેરલ પ્રતિ દિવસના દરે નિકાસ કરવામાં આવી હતી. હવે તે વધીને 200,000 બેરલ પ્રતિ દિવસ થઈ ગયું છે. આ સાથે માર્ચમાં સતત 7મા મહિને રશિયન તેલની આયાતમાં વધારો નોંધવામાં આવ્યો છે. ભારત હાલમાં રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.
જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયા પર આર્થિક પ્રતિબંધો શરૂ થઈ ગયા હતા. રશિયાએ પણ ડિસ્કાઉન્ટ રેટ પર ક્રૂડ ઓઈલ વેચવાનું શરૂ કર્યું. ભારત અને ચીને આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. ભારત કોઈપણ રીતે તેની મોટાભાગની ક્રૂડ ઓઈલની જરૂરિયાત આયાત કરે છે. ભારતે વધુ ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું. હવે આ સસ્તું ક્રૂડ ઓઈલ યુરોપ પહોંચી રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, યુરોપિયન યુનિયનએ રશિયા પાસેથી કોઈપણ પ્રકારના દરિયાઈ કાચા તેલની આયાતને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. બે મહિના પછી, રશિયાથી આવતા રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ નિયમ તે દેશોને લાગુ પડતો નથી, જેઓ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યા છે અને તેને પેટ્રોલ અને ડીઝલમાં બદલી રહ્યા છે.