ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી દેશમાં ઉત્પાદન વધશેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલના વિજયોત્સવ વચ્ચે આજે સંસદ પરિસરમાં એનડીએ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વિરોધ પક્ષોની આલોચનાનો જવાબ આપતા કહ્યું કે, “ઘણા લોકો ટીકા કરી રહ્યા હતા, પરંતુ અમે ધીરજ રાખી અને તેનું પરિણામ આજે વિશ્વની સામે છે. ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે.”
એનડીએ સંસદીય દળની બેઠકમાં સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોવિડ પછી બદલાઈ રહેલો વૈશ્વિક ઓર્ડર હવે સ્પષ્ટપણે ભારતના પક્ષમાં વળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકા સાથેના આ કરારથી દેશમાં ઉત્પાદન વધશે અને આપણે હવે ‘ક્વોલિટી પ્રોડક્ટ્સ’ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ બજેટ આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેની વિગતો જનતા સુધી પહોંચાડવા તેમણે સાંસદોને અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ યુરોપિયન યુનિયન, યુએઈ, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ સહિત કુલ 9 મહત્વના વેપાર કરારો કર્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હજુ એક અઠવાડિયા પહેલા જ ઈયુ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા હતા અને હવે અમેરિકા સાથેની આ ડીલ ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિનો પુરાવો છે.
પીએમ મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમજૂતી વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે અનિવાર્ય છે. સામે પક્ષે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ડીલને પીએમ મોદી પ્રત્યેના સન્માન અને મિત્રતાનું પ્રતિક ગણાવ્યું છે. ટ્રમ્પે ભારતીય સામાન પરના ટેરિફને તત્કાલ પ્રભાવથી 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ ભારતની પ્રાથમિકતા 7-8 ટકાનો વિકાસદર જાળવી રાખવાની: નાણામંત્રી


