- ફેક લિન્ક અને વેબસાઈટથી ટિકિટ બુકિંગન ન કરાવવા BCAએ કરી અપીલ
- મેચની ટિકિટ બુકિંગ માટે BCA દ્વારા સત્તાવાર જાહેરાત કરાશે
- મેચ રમવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા આવી રહ્યા હોવાથી ક્રિકેટરસિકોમાં ઉત્સાહ
વડોદરા તા. 24 ડિસેમ્બર 2025: One Day Cricket Match between India VS New Zealand શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ આગામી 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રિકેટરસિકો મેચ જોવા માટે ઓનલાઈન ટિકિટો માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટરસિકોને આવી ફેક લિંક અને વેબસાઇટથી ટિકિટ બુકિંગ ન કરાવવા માટે અપીલ કરી છે. આગામી દિવસોમાં ટિકિટ બુકિંગ માટે એસો. દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાનારી ભારત ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ રમવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ આવશે, ક્રિકેટ રસિયાઓ તેમના સ્ટાર ખેલાડીઓને જોવા માટે ઉત્સુક છે. મેચની ઓનલાઈન ટિકિટ માટે સાયબર માફિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થઈ ગયા છે. કેટલીક નકલી વેબસાઈટ બનાવીને ફ્રોડ ટિકિટ વેચી રહ્યા છે અને લોકો તેમાં છેતરાઈ રહ્યા છે, જેને પગલે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા લોકો સાયબર માફિયાની જાળમાં ન ફસાવા ખાસ અપીલ કરવામાં આવી છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શિતલ મહેતાએ જણાવ્યું હતું કે, બીસીએ દ્વારા કોટંબી ખાતે એક ભવ્ય સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમાવાની છે. વડોદરામાં લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાક તત્વો ખોટી લિંક્સ અને નકલી વેબસાઈટ દ્વારા ટિકિટ બુકિંગના બહાને લોકોને છેતરી રહ્યા છે. સભ્યોને મળનારા કોમ્પ્લીમેન્ટરી પાસ વિશે પણ વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર થશે. ત્યાં સુધી કોઈ પણ અજાણી લિંક કે વેબસાઈટ પર ટિકિટ બુક ન કરો અને ફસાસો નહીં અને છેતરપિંડીથી બચવા માટે ક્રિકેટરસિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

