Site icon Revoi.in

ભારત આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને દુનિયા સામે ખુલ્લુ પાડશે, બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ વિદેશ મોકલશે

Social Share

નવી દિલ્હીઃ ભારત સરકાર આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર દેશનું વલણ સ્પષ્ટ કરવા માટે અનેક દેશોમાં બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો મોકલવાની યોજના બનાવી રહી છે. મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ આ પહેલમાં ભાગ લેવા સંમત થઈ છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, કોંગ્રેસના મહાસચિવ (સંચાર પ્રભારી) જયરામ રમેશે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષનો સંપર્ક કર્યો છે. રમેશે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ ચોક્કસપણે આ પ્રતિનિધિમંડળોનો ભાગ હશે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાનું ટ્વિટર) પર કહ્યું, “વડાપ્રધાનએ પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરપર સર્વપક્ષીય બેઠક બોલાવવાનો ઇનકાર કર્યો છે. ઉપરાંત, 22 ફેબ્રુઆરી 1994 ના રોજ સંસદમાં પસાર થયેલા ઠરાવને પુનરાવર્તિત કરવા માટે ખાસ સત્ર બોલાવવાની કોંગ્રેસની માંગ પણ સ્વીકારવામાં આવી નથી.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન અને તેમનો પક્ષ સતત કોંગ્રેસને બદનામ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે હંમેશા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

જયરામ રમેશે જણાવ્યું હતું કે,હવે અચાનક વડા પ્રધાન વિદેશમાં ભારતનો પક્ષ રજૂ કરવા માટે બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાની વાત કરી રહ્યા છે. રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી કોંગ્રેસ આ પહેલમાં ભાગ લેશે. અમે ભાજપની જેમ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓનું રાજકારણ કરતા નથી.”

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂરહેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ, પાકિસ્તાન તરફથી સરહદ પર સતત ગોળીબાર કરવામાં આવ્યો અને ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો. ત્યારબાદ ભારતે વળતો હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવ્યું અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. જોકે આ દરમિયાન બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા છે. હવે ભારતે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે ઘણા દેશોમાં પોતાના પ્રતિનિધિઓ મોકલવાનો નિર્ણય લીધો છે.

Exit mobile version