Site icon Revoi.in

ભારતીય સેના દ્વારા ઓપરેશન ‘સિંદૂર’માં સ્વદેશી સંભવ ફોનનો ઉપયોગ, લશ્કરી સંદેશાવ્યવહારની સુરક્ષા તરફ ઐતિહાસિક પગલું

Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન વોટ્સએપ જેવી વિદેશી એપ્સનો ઉપયોગ ન કરીને સ્વદેશી સંભવ (Secure Army Mobile Bharat Version) ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફોન 5G ટેકનોલોજી અને બહુસ્તરીય એન્ક્રિપ્શનથી સજ્જ છે, જે સંદેશાવ્યવહારને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે આ પગલું ભારતની આત્મનિર્ભરતા તેમજ લશ્કરી કોમ્યુનિકેશન સિસ્ટમને મજબૂત બનાવવાનું ઐતિહાસિક ઉદાહરણ છે.

ઓપરેશન સિંદૂર મે 2025માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતું, જેમાં પાકિસ્તાન આધારિત આતંકીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. તેના પ્રતિસાદ રૂપે 7 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આર્મી ચીફે આ ઓપરેશનને સમગ્ર રાષ્ટ્રનો પ્રયાસ ગણાવ્યો, જેમાં સૈનિકો, કમાન્ડરો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ સૌનો સહયોગ હતો. આને “ગ્રે ઝોન” ઓપરેશન તરીકે ઓળખવામાં આવ્યું એટલે કે, સંપૂર્ણ યુદ્ધ કરતાં થોડું ઓછું, પરંતુ વ્યૂહાત્મક રીતે અત્યંત અસરકારક. આ દરમિયાન પહેલીવાર ત્રિ-સેના (સેના, વાયુસેના અને નૌકાદળ)એ સંકલિત કમાન્ડ સ્ટ્રક્ચર હેઠળ ‘સિંદૂર’  કોડનેમ સાથે કામગીરી કરી.

સંભવ એક સ્વદેશી મોબાઇલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જે ખાસ કરીને ભારતીય સેના માટે વિકસાવવામાં આવી છે. તે 5G આધારિત છે અને તેમાં બહુસ્તરીય એન્ક્રિપ્શન છે, જે તેને જાસૂસીથી સુરક્ષિત બનાવે છે. આ સિસ્ટમમાં M-Sigma  નામની એપ છે, જે વોટ્સએપ જેવી સુવિધા ધરાવે છે, પરંતુ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ એપ દ્વારા સૈનિકો દસ્તાવેજો, ફોટા અને વીડિયો ડેટા લીક થવાના ડર વિના શેર કરી શકે છે.

જાન્યુઆરી 2024માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં આશરે 30,000 સંભવ ફોન સૈન્ય અધિકારીઓને આપવામાં આવ્યા છે. આ ફોન એરટેલ અને જિયો નેટવર્ક પર કાર્ય કરે છે. મહત્વપૂર્ણ સંપર્કોના નંબરો ફોનમાં પહેલેથી જ સેવ કરેલા હોય છે, જેથી મેન્યુઅલી નંબરો દાખલ કરવાની જરૂર રહેતી નથી. સેનાના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજી સાથે હવે લશ્કરી સંદેશાવ્યવહાર વધુ સુરક્ષિત, ઝડપી અને આત્મનિર્ભર બનશે.