ભારતીય ખેલાડી અતનુ દાસ અને મેહુલી ઘોષને ઓલિમ્પિક પોડિયમ યોજનામાં ફરીથી સામેલ કરાયાં
નવી દિલ્હીઃ ઓલિમ્પિયન તીરંદાજ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અતનુ દાસને આ વર્ષે અંતાલ્યામાં યોજાયેલા ડોમેસ્ટિક સર્કિટ અને વર્લ્ડ તીરંદાજી કપમાં તેમના તાજેતરના પ્રદર્શનને પગલે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. પુરુષોની રિકર્વ વ્યક્તિગત રેન્કિંગમાં ચોથા સ્થાને 673નો સ્કોર કરનાર અતનુ લગભગ દોઢ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય આઉટડોર સ્પર્ધામાં પરત ફરી રહ્યા હતા.
TOPS માં સામેલ થનારા અન્ય મોટા નામમાં રાઈફલ શૂટર મેહુલી ઘોષનો પણ સમાવેશ થાય છે, તેમણે આ વર્ષે નેશનલ શૂટિંગ ટ્રાયલ્સ ખાતે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટ જીતી હતી, અને 15 વર્ષીય તિલોત્તમા સેનએ કાહિરા વિશ્વ કપમાં સિનિયર સર્કિટમાં તેમના પ્રથમ દેખાવમાં 10 મીટર એર રાઈફલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ 2022માં તેમણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને ટીમ ગોલ્ડ પણ જીત્યો હતો. TOPS કોર અને ડેવલપમેન્ટ લિસ્ટમાં કુલ 27 નવા નામ ઉમેરવામાં આવ્યા છે, જે TOPS એથ્લેટ્સની કુલ સંખ્યા 270 (કોરમાં 101, ડેવલપમેન્ટમાં 269) પર પહોંચી છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી રમત-ગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત રમત-ગમતના મેદાનોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ નવા પણ મેદાનો પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું બહુમાન પણ કરવામાં આવે છે.