ભારતીય કોસ્ટ ગાર્ડે તેલની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો
નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026 – international oil smuggling racket – ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તેલની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 05-06 ફેબ્રુઆરી 2026 દરમિયાન અત્યંત સાવચેતીપૂર્વક આયોજિત દરિયાઈ-હવાઈ સંકલિત ઓપરેશન દ્વારા તેલની આંતરરાષ્ટ્રીય દાણચોરીના રેકેટનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દ્વારા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા તેલ અને તેલ આધારિત કાર્ગોના ગેરકાયદેસર સ્થાનાંતરણમાં સામેલ એક જટિલ નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે.
05 ફેબ્રુઆરી 2026 ના રોજ મુંબઈથી પશ્ચિમમાં અંદાજે 100 નોટિકલ માઈલ દૂર ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો દ્વારા ત્રણ શંકાસ્પદ જહાજોને અટકાવવામાં આવ્યા હતા. જહાજોની સઘન તપાસ, બોર્ડ પરથી રિકવર કરાયેલા ઈલેક્ટ્રોનિક ડેટાની ખાતરી, દસ્તાવેજોની ચકાસણી અને ક્રૂ મેમ્બરોની વિગતવાર પૂછપરછ બાદ ICG ની સ્પેશિયાલિસ્ટ ટીમોએ મોડસ ઓપરેન્ડી પકડી પાડી હતી.
દાણચોરીની મોડસ ઓપરેન્ડી
દાણચોરી કરનાર આ સિન્ડિકેટ એવી પદ્ધતિ અપનાવતી હતી જેમાં સસ્તું તેલ દરિયાઈ જહાજો દ્વારા લાવવામાં આવતું હતું અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં મધ્ય દરિયે મોટર ટેન્કરોમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સિન્ડિકેટમાં અનેક દેશોમાં કાર્યરત હેન્ડલર્સ સામેલ હતા, જેઓ દરિયામાં જહાજો વચ્ચે કાર્ગોના વેચાણ અને સ્થાનાંતરણનું સંકલન કરતા હતા.
On 06 Feb 26, @IndiaCoastGuard busted an International oil-smuggling racket in a meticulously coordinated sea–air operation. The syndicate exploited mid-sea transfers in international waters to move cheap oil from conflict ridden regions to motor tankers, evading duties owed to… pic.twitter.com/erJ31U4xyH
— Indian Coast Guard (@IndiaCoastGuard) February 7, 2026
આ ઓપરેશન ICGની અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિની ઓળખ થયા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (EEZ) ની અંદર એક મોટર ટેન્કર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ ડિજિટલ તપાસ અને જહાજોની અવરજવરના ડેટા વિશ્લેષણ દ્વારા અન્ય બે જહાજોની ઓળખ કરવામાં આવી હતી, જેઓ ભારત સહિતના દરિયાકાંઠાના રાજ્યોની મોટી જકાત ચોરી કરીને ગેરકાયદે રીતે જહાજ-થી-જહાજ તેલ ટ્રાન્સફર કરવામાં સામેલ હોવાની શંકા હતી.
આ પણ વાંચોઃ FASTag: એન્યુઅલ પાસ વપરાશકારોની સંખ્યા 50 લાખને પાર પહોંચી
05 ફેબ્રુઆરી 2026 ના રોજ સ્થળ તપાસ દ્વારા ડિજિટલ પુરાવાની મળી આવતાં ત્રણેય જહાજોને જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જહાજો દરિયાઈ કાયદા અમલીકરણ એજન્સીઓથી બચવા માટે વારંવાર પોતાની ઓળખ બદલતા હતા. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે જહાજોના માલિકો વિદેશમાં સ્થિત છે. પકડાયેલા જહાજોને વધુ તપાસ માટે મુંબઈ લાવવામાં આવે તેવી શક્યતા છે અને ત્યારબાદ યોગ્ય કાયદેસરની કાર્યવાહી માટે ભારતીય કસ્ટમ્સ અને અન્ય એજન્સીઓને સોંપવામાં આવશે.
આ ઓપરેશન ફરી એકવાર દરિયાઈ ક્ષેત્રમાં સુરક્ષા પ્રદાતા તરીકે ભારતની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાના ચુસ્ત પાલનકર્તા તરીકેની ભારતની છબીને મજબૂત કરે છે.


