Homeગુજરાતીભારતીય અર્થતંત્રની તેજ રફતાર: મે મહિનામાં નિકાસમાં 18 નો વધારો

ભારતીય અર્થતંત્રની તેજ રફતાર: મે મહિનામાં નિકાસમાં 18 નો વધારો

નવી દિલ્હી, 15 જૂન 2026: વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું વેપાર જગત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મે 2026 માં દેશની નિકાસમાં ધરખમ વધારો નોંધાયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, મે મહિનામાં ભારતની વસ્તુઓની નિકાસ 18 ટકા વધીને 45.2 અબજ ડોલર (આશરે રૂ. 4,30,197.81 કરોડ) પર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં ભારતીય ઉત્પાદનોની વધતી માંગને પગલે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ આખું વર્ષ નિકાસ માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે. આ વખતના શાનદાર પ્રદર્શનમાં પેટ્રોલિયમ સેક્ટરે સિંહફાળો આપ્યો છે. મે 2026 માં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં 54.89 નો ભારે ઉછાળો જોવા મળ્યો છે, જે વધીને 8.42 અબજ ડોલર થઈ છે. જોકે, પશ્ચિમ એશિયાના બજારમાંથી થોડા નિરાશાજનક સમાચાર મળ્યા છે, જ્યાં નિકાસ ગત વર્ષના 5.38 અબજ ડોલરથી ઘટીને આ વર્ષે 5.30 અબજ ડોલર રહી છે.

નિકાસની સાથે દેશની આયાતમાં પણ 20.62 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં ભારતે કુલ 73.41 અબજ ડોલરનો સામાન વિદેશથી મંગાવ્યો છે. આયાત વધવાનું મુખ્ય કારણ સોનું છે. એપ્રિલ અને મે મહિનામાં સોનાની આયાતમાં 60 ટકાનો તોતિંગ વધારો થયો છે. બે મહિનામાં કુલ 9.04 અબજ ડોલરનું સોનું ભારતમાં આવ્યું છે. આયાત વધવાને કારણે મે મહિનાની વેપાર ખાધ વધીને 28.21 અબજ ડોલર (રૂ. 2,68,492.93 કરોડ) પર પહોંચી છે. ચાલુ નાણાકીય વર્ષ (2026-27) ના પ્રથમ બે મહિનામાં ભારતનો દેખાવ મજબૂત રહ્યો છે. રૂ. 88.91 અબજ ડોલરની કુલ નિકાસ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ 16.08 વધી છે. આ આંકડા દર્શાવે છે કે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે અને બજારમાં સતત તેજીનો માહોલ છે.

  • ભારતીય નિકાસકારોની પડતરમાં વધારો

નિકાસમાં વૃદ્ધિ છતાં નિષ્ણાતોએ આગામી સમય માટે ત્રણ મોટી ચેતવણીઓ આપી છે. દરિયાઈ માર્ગો પર વધતા તણાવને કારણે માલની હેરફેરનો ખર્ચ (ભાડું) વધી રહ્યો છે, જે ભારતીય નિકાસકારોની પડતરમાં વધારો કરી શકે છે. વિશ્વની મોટી કરન્સી ડોલર સામે નબળી પડી રહી છે. જો આયાત કરતા દેશોની કરન્સી નબળી પડશે, તો તેમને ભારતીય સામાન ખરીદવો મોંઘો પડશે. યુરોપિયન યુનિયન જેવા વિકસિત દેશો હવે કાર્બન ટેક્સ અને પર્યાવરણીય માપદંડો કડક કરી રહ્યા છે. ભારતીય સ્ટીલ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગોએ જો પોતાને આ નવા નિયમો મુજબ નહીં ઢાળે, તો મોટા બજારો ગુમાવવાનો વારો આવી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular