મેલોડી મેનિયામાં ભારતીય ટપાલ ખાતું પણ જોડાયું, કરી આ જાહેરાત
રિવોઈ ન્યૂઝ, 21 મે, 2026 – મેલોડી મેનિયા ભારત અને ઈટાલી સહિત દુનિયામાં ઠેરઠેર છવાઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીની મુલાકાત દરમિયાન ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ચોકલેટ ગિફ્ટ આપી તે ઘટના સોશિયલ મીડિયામાં અસાધારણ વાયરલ થઈ છે.
હવે એ મેનિયામાં ભારતીય ટપાલ વિભાગે પણ ઝૂકાવી દીધું છે. સામાન્ય રીતે ભારતની સરકારી સંસ્થાઓ આવી બાબતોથી હંમેશા દૂર રહી છે, પરંતુ પ્રથમ વખત જોવા મળી રહ્યું છે કે, ભારતીય ટપાલ ખાતાએ પણ આ મેનિયાને તત્કાળ પકડી લીધો હતો.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાનને વિશિષ્ટ ગિફ્ટ આપી, જુઓ Video
વાસ્તવમાં છેલ્લા થોડાં વર્ષથી વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન મેલોનીનાં નામોને કોઈએ ટૂંકાક્ષરમાં મેલોડી કરીને બંને નેતાઓ વચ્ચેની મિત્રતાને એક નવું સ્વરૂપ આપેલું છે.
કદાચ એ વાતને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ વખતની તેમની ઈટાલી સહિતના પાંચ દેશોની મુલાકાત દરમિયાન પીએમ મેલોની માટે મેલોડી ચોકલેટનું પેકેટ લઈ ગયા.
આવી મજાની ગિફ્ટ વ્યક્તિગત રીતે આપવાની હતી, પરંતુ બંને નેતાઓએ તેની વીડિયો રીલ બનાવી અને તેને પીએમ જ્યોર્જિયા મેલોનીએ તેમના એક્સ હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકી.
આ વાત સમગ્ર દુનિયામાં, ખાસ કરીને ભારત અને ઈટાલીમાં એ હદે તીવ્ર ગતિએ ફેલાઈ ગઈ કે, મેલોડી ચોકલેટ બનાવનાર કંપનીએ પોતે તેની નોંધ લીધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
આ મેનિયાની અસર એવી થઈ હતી કે, લોકોએ ભૂલમાં પાર્લે પ્રોડક્ટ્સને બદલે પારલે કંપનીને આ ચોકલેટના ઉત્પાદક માની લીધા અને તેના શૅર ખરીદવા પડાપડી શરૂ થઈ ગઈ હતી. જોકે મોડેથી લોકોને સાચી વાતની ખબર પડી હતી પરંતુ ત્યાં સુધી પારલે કંપનીના શૅર ઉપર અપર સર્કિટ લાગી ચૂકી હતી.
ખેર, તો આ મેનિયામાં ભારતીય સરકારી કંપની ઈન્ડિયા પોસ્ટ પણ જોડાઈ ગઈ અને ગઈકાલે, બુધવારે સાંજે જ ઈન્ડિયા પોસ્ટે તેના સત્તાવાર એક્સ હેન્ડલ ઉપર આ સંદર્ભમાં બે ફોટા મૂકીને ભારતમાં છવાયેલા મેનિયાનો લાભ લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
Make every delivery sweeter with #24SpeedPost– next day delivery guaranteed 🫶📮#24SpeedPost #NextDayDelivery #MelodyIndiaPost#DakSewaJanSewa pic.twitter.com/ci9oV5lmve
— India Post (@IndiaPostOffice) May 20, 2026
ઈન્ડિયા પોસ્ટે બે પોસ્ટર મૂક્યા, જેમાં એક પોસ્ટરમાં લખ્યું કે, તેના સુધી (મહિલા મિત્ર સુધી) બીજા દિવસે આ પહોંચાડવા (નામ લખ્યા વિના મેલોડી ચોકલેટના પેકેટનો ફોટો મૂકવામાં આવ્યો) શું કરશો? અને બીજા પોસ્ટરમાં સ્પીડપોસ્ટ વિશેની વિગત મૂકી.
હજારો લોકોને ઈન્ડિયા પોસ્ટની આ ક્રિએટિવિટી પસંદ પડી અને તેની પોસ્ટ પણ ઘણી વાયરલ થઈ.


