ઇબોલા વાયરસનો ખતરો: કેન્દ્ર સરકાર દ્વારા હાઇ-રિસ્ક દેશોમાંથી આવતા મુસાફરો માટે હેલ્થ એડવાઇઝરી જાહેર
નવી દિલ્હી, 21 મે 2026: વિશ્વના કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયએ એક અત્યંત મહત્વપૂર્ણ હેલ્થ એડવાઇઝરી (આરોગ્ય માર્ગદર્શિકા) જારી કરી છે. આ એડવાઇઝરી ખાસ કરીને એવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે છે જેઓ ઇબોલા પ્રભાવિત દેશોમાંથી સીધા ભારત આવી રહ્યા છે અથવા ત્યાં થઈને ભારતમાં પ્રવેશ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવા તમામ મુસાફરોને વિશેષ સાવધાની રાખવા આદેશ આપ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આફ્રિકન દેશો જેવા કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને ‘હાઇ-રિસ્ક’ એટલે કે ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ પોતાની તબિયત પર કડક નજર રાખવી પડશે. દિલ્હી સહિત દેશના પ્રમુખ એરપોર્ટ પર ‘એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા આ અંગેના માહિતી બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરોએ અચાનક તાવ આવવો, શરીરમાં અશક્તિ અને ભારે થાક લાગવો, અસહ્ય માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો થવો, ઉલટી, ઝાડા થવા અને ગળામાં અતિશય બળતરા (ખરાશ) થવી અને ગંભીર પરિસ્થિતિમાં શરીરના અંગોમાંથી રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) થવો જેવા લક્ષણો પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ મુસાફરમાં કોઈ પણ લક્ષણ દેખાય, તો તેણે એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ત્યાંના આરોગ્ય અધિકારીઓને તુરંત જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, જો કોઈ મુસાફર પોતાની યાત્રા દરમિયાન ઇબોલાના કોઈ શંકાસ્પદ અથવા કન્ફર્મ દર્દીના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે પણ એરપોર્ટ હેલ્થ ઓથોરિટીને સ્વેચ્છાએ માહિતી આપવી પડશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રભાવિત દેશોમાંથી આવ્યા બાદ મુસાફરોએ 21 દિવસ સુધી પોતાની તબિયત પર નજર રાખવી પડશે. જો ભારત આવ્યાના ૨૧ દિવસની અંદર આમાંનું કોઈ પણ લક્ષણ દેખાય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો અને ડોક્ટરને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી (અગાઉની યાત્રાની વિગતો) વિશે સંપૂર્ણ સાચી માહિતી આપવી. તંત્ર દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમોના પાલન માટે એરપોર્ટ પર થનારી તબીબી તપાસમાં સત્તાવાળાઓને સંપૂર્ણ સહયોગ આપે.


