ઉત્તર ભારતમાં આકરી ગરમીઃ દિલ્હીમાં મે મહિનામાં 14 વર્ષમાં સૌથી વધારે ગરમ રાત નોંધાઈ
નવી દિલ્હી, 21 મે 2026: દિલ્હી સહિત ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યો છે. દિલ્હીમાં મે મહિનાની અત્યાર સુધીની સૌથી ગરમ રાત નોંધાઈ છે, જ્યાં લઘુત્તમ (ન્યૂનતમ) તાપમાન સામાન્ય કરતાં ઓછું થવાને બદલે સડસડાટ વધીને 31.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા આશરે 14 વર્ષમાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ લઘુત્તમ તાપમાન છે. આ પૂર્વે 26 મે 2012ના રોજ લઘુત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના અહેવાલ મુજબ, સફદરજંગ અને લોધી રોડ સહિતના અનેક હવામાન સ્ટેશનો પર રાત્રિ દરમિયાન પણ આકરી ગરમી અને લૂ જેવી સ્થિતિ અનુભવાઈ હતી. હવામાન શાસ્ત્રના નિયમો મુજબ, ‘ગરમ રાત’ (વાર્મ નાઇટ) ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય અને રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રીથી 6.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે નોંધાય. દિલ્હીના સફદરજંગમાં 31.9 (સામાન્ય કરતા 5.2 ડિગ્રી વધુ), રિજ વિસ્તારમાં 30.6 (સામાન્ય કરતા 4.4 ડિગ્રી વધુ), પાલમમાં સામાન્ય કરતા 3.4 ડિગ્રી, લોધી રોડ વિસ્તારમાં સામાન્ય કરતા 4.6 ડિગ્રી એટલે કે 29.6 ડિગ્રી અને આયાનગરમાં 27.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે દિલ્હીમાં ભીષણ ગરમી અને અસહ્ય લૂને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે. ગરમીની સાથે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર કરીએ તો, સવારે 9 વાગ્યે હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધાઈ હતી, જેનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 153 રહ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપદંડ અનુસાર, 0-50 વચ્ચેનો એક્યુઆઈ ‘સારો’, 51-100 ‘સંતોષજનક’, 101-200 ‘મધ્યમ’, 201-300 ‘ખરાબ’, 301-44 ‘ખૂબ ખરાબ’ અને 401-500 વચ્ચેનો સ્કોર ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.


