1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય રેલવેની આગેકૂચ: મે 2026માં 145 મિલિયન ટન માલસામાનનું લોડિંગ
ભારતીય રેલવેની આગેકૂચ: મે 2026માં 145 મિલિયન ટન માલસામાનનું લોડિંગ

ભારતીય રેલવેની આગેકૂચ: મે 2026માં 145 મિલિયન ટન માલસામાનનું લોડિંગ

0
Social Share

નવી દિલ્હી, 2 જૂન 2026: ભારતીય રેલવેએ મે 2025 ની સરખામણીમાં 1.3% નો વધારો નોંધાવીને મે 2026 માં 145 મિલિયન ટન માલસામાનનું લોડિંગ કરીને તેની નૂર વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. આ વૃદ્ધિ આયર્ન ઓર (લોહ અયસ્ક), સ્ટીલ, ખાતર અને બાકીના અન્ય માલસામાનના (બેલેન્સ અધર ગુડ્સ) સેગમેન્ટમાં મજબૂત પ્રદર્શનને કારણે થઈ હતી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને લોજિસ્ટિક્સ તેમજ સપ્લાય ચેઈન પર તેની પરોક્ષ અસરોથી ઉભા થયેલા પડકારો છતાં લોડિંગમાં આ વધારો હાંસલ કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે સતત ઓપરેશનલ મોનિટરિંગ અને અસ્કયામતોના (એસેટ્સ) કાર્યક્ષમ ઉપયોગ દ્વારા દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત રહી હતી.

મુખ્ય ચીજવસ્તુઓમાં, બાકીના અન્ય માલસામાનમાં (બેલેન્સ અધર ગુડ્સ) 16 % ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે આયર્ન ઓરનું લોડિંગ અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીએ 4.8% વધ્યું છે અને પિગ આયર્ન અને ફિનિશ્ડ સ્ટીલના લોડિંગમાં 3.5% ની વૃદ્ધિ થઈ છે. અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને ટેકો આપવા માટે રેલવેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા ખાતરના લોડિંગમાં પણ 6.2% ની તંદુરસ્ત વૃદ્ધિ નોંધાઈ છે.

  • રેલવે નૂર ટ્રાફિકમાં સૌથી મોટો હિસ્સો

કોલસો, જે રેલવે નૂર ટ્રાફિકમાં સૌથી મોટો હિસ્સો ધરાવતો રહ્યો છે, તેણે અગાઉના વર્ષની સરખામણીએ લોડિંગમાં અંદાજે 1%નો વધારો કરીને સતત વૃદ્ધિ જાળવી રાખી છે. થર્મલ પાવર પ્લાન્ટ્સની જરૂરિયાતોને પહોંચી વળવા અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ભારતીય રેલવેએ કોલસાની અવરજવરને અગ્રતા આપી હતી અને સમગ્ર નેટવર્ક પર તેના પરિવહનનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

ભારતીય રેલવેએ વિવિધ પ્રદેશોમાં અવિરત માલસામાનની અવરજવરને સરળ બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે સ્થાનિક અને એક્ઝિમ (EXIM – નિકાસ-આયાત) બંને કન્ટેનર ટ્રાફિકનું મોનિટરિંગ પણ સઘન બનાવ્યું છે. આ પગલાંઓએ પડકારજનક સંજોગોમાં નૂર વૃદ્ધિને ટકાવી રાખવામાં અને સપ્લાય ચેઈનની કાર્યક્ષમતા જાળવવામાં મદદ કરી છે.

પેસેન્જર મોરચે, ભારતીય રેલવેએ મે 2026 દરમિયાન 61 કરોડથી વધુ મુસાફરોનું પરિવહન કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં આશરે 59 કરોડ મુસાફરો હતું. આ વૃદ્ધિ મુખ્યત્વે નોન-સબર્બન (બિન-ઉપનગરીય) સેગમેન્ટ દ્વારા સંચાલિત હતી, જેમાં 7.4% નો વધારો નોંધાયો હતો, જેમાં મુસાફરોની સંખ્યા 28 કરોડથી વધીને 30 કરોડ થઈ ગઈ છે. આ દેશભરમાં ટૂંકા અને લાંબા અંતરની બંને મુસાફરી માટે રેલ મુસાફરીની સતત પસંદગી દર્શાવે છે.

મુસાફરીની માંગમાં મોસમી (ઉનાળાના કારણે) વધારાને પહોંચી વળવા માટે, ભારતીય રેલવેએ વિવિધ રૂટો પર મોટી સંખ્યામાં સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી હતી. આધુનિક ટ્રેન સેવાઓના સતત વિસ્તરણ દ્વારા મુસાફરોની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પરિવહનકર્તા (નેશનલ ટ્રાન્સપોર્ટર) હાલમાં 164 વંદે ભારત સેવાઓનું સંચાલન કરી રહી છે, જેમાં તાજેતરમાં હાવડા અને કામાખ્યા વચ્ચે શરૂ કરાયેલી સ્લીપર વંદે ભારત સેવાનો સમાવેશ થાય છે, જ્યારે અમૃત ભારત સેવાઓની સંખ્યા 68 પર પહોંચી ગઈ છે, જેમાંથી ત્રણ નવી સેવાઓ મે 2026 દરમિયાન શરૂ કરવામાં આવી હતી.

માલસામાનના લોડિંગમાં સતત વૃદ્ધિ, મુખ્ય કોમોડિટી સેગમેન્ટ્સમાં મજબૂત પ્રદર્શન અને વધતા જતા મુસાફરોના સમર્થન સાથે, ભારતીય રેલવે દેશના પરિવહન નેટવર્કની કરોડરજ્જુ તરીકે તેની ભૂમિકાને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખે છે, જે આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવે છે અને દેશભરના લોકોને જોડે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code