ભારતીય રેલવેની સ્પીડ વધી: 80 ટ્રેક 110 કિમીની ગતિ માટે અપગ્રેડ, બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં
નવી દિલ્હી, 14 માર્ચ 2026: દેશના રેલવે નેટવર્કને હાઈસ્પીડ બનાવવા અને ટ્રેનોના સમયપાલનમાં સુધારો કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન માહિતી આપતા રેલ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના લગભગ 80 ટકા રેલવે ટ્રેકને હવે 110 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, અંદાજે 50 ટકા ટ્રેક 130 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર થઈ ગયા છે.
રેલ મંત્રીએ જણાવ્યું કે, દેશભરમાં દરરોજ આશરે 25 હજાર ટ્રેનો દોડે છે. ટ્રેનો મોડી ન પડે તે માટે ટેકનિકલ અને ઓપરેશનલ સ્તરે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. 24 રેલવે ડિવિઝનમાં 90 ટકાથી વધુ સમયપાલન હાંસલ કરવામાં આવ્યું છે. 43 ડિવિઝનમાં 80 ટકા અને 8 ડિવિઝનમાં તો 95 ટકાથી વધુ ટ્રેનો નિર્ધારિત સમયે દોડી રહી છે. આ આધુનિકીકરણના ચાર મુખ્ય સ્તંભ છે. જેમાં ટ્રેનોના મોનિટરિંગ માટે અત્યાધુનિક ટેકનિકલ સાધનોનો ઉપયોગ, મેન્ટેનન્સ (જાળવણી) પ્રક્રિયામાં મોટા પાયે સુધારા, જુના ICF કોચને બદલે સુરક્ષિત અને ઝડપી LHB કોચ લગાવવાની કામગીરી અને પરંપરાગત કોચ વાળી ટ્રેનોને આધુનિક ‘ટ્રેન સેટ’ (વંદે ભારત જેવી) માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે અપડેટ આપતા રેલ મંત્રીએ કહ્યું કે, આ પ્રોજેક્ટની પ્રગતિ ખૂબ જ પ્રોત્સાહક છે. ગુજરાતમાં આવતા વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનોનું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે. મહારાષ્ટ્રમાં પણ થાણે, વિરાર, બોઈસર અને મુંબઈના બીકેસી સ્ટેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ આધુનિકીકરણથી મુસાફરોનો મુસાફરીનો સમય ઘટશે અને ભારતીય રેલવે વિશ્વસ્તરીય સુવિધાઓ તરફ આગળ વધશે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી હવે ઉત્તર-પૂર્વના વિદ્યાર્થીઓને આપશે આત્મરક્ષાની તાલીમ


