Site icon Revoi.in

ભારતીય રેલવે હાલની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની ક્ષમતા સુધરશે, એક મિનિટમાં 1 લાખ ટિકિટ બુક થશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય રેલવે હાલની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ની ક્ષમતામાં સુધારો કરી રહ્યું છે. અપગ્રેડ પછી સિસ્ટમ પ્રતિ મિનિટ એક લાખ ટિકિટ સંભાળી શકશે, જ્યારે હાલની ક્ષમતા 25,000 ટિકિટ પ્રતિ મિનિટ છે. આ માહિતી સરકાર તરફથી આપવામાં આવી હતી. સેન્ટ્રલ ફૉર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) મારફતે રેલવે PRSનું સંપૂર્ણ પુનર્ગઠન કરી રહ્યું છે. પુનર્ગઠન અંતર્ગત હાર્ડવેર, સોફ્ટવેર, નેટવર્ક સાધનો અને સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન અને બદલામણ કરવામાં આવી રહ્યું છે, જે નવી સુવિધાઓ હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયેલા છે અને નવી ટેકનોલોજી પર આધારિત છે.

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું કે હાલની PRS સિસ્ટમ 2010માં અમલમાં આવી હતી અને તે ઇટેનિયમ સર્વર અને ઓપન VMS (વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ) પર ચાલે છે. તેથી હાલની PRS સિસ્ટમને પરંપરાગત ટેકનોલોજી સિસ્ટમથી તાજી ક્લાઉડ ટેકનોલોજી સિસ્ટમમાં અપગ્રેડ કરવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુસાફરોની પસંદગીઓ અને અપેક્ષાઓ બદલાઈ છે. આધુનિક PRSનો હેતુ મુસાફરોની વધતી અપેક્ષાઓને પૂર્ણ કરવાનો છે. 1 નવેમ્બર 2024થી ટ્રેનોમાં રિઝર્વેશન માટેનું એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) ઘટાડી 60 દિવસ (પ્રયાણ તારીખને બાદ કરીને) કરી દેવામાં આવ્યું છે, જે પહેલાં 120 દિવસ હતું. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે આ ફેરફાર બુકિંગ પેટર્ન અને અણધાર્યા બનાવોને કારણે થતી રદબાતને ઘટાડવા માટે કરવામાં આવ્યો છે.

રેલવેએ તાજેતરમાં ‘રેલવન’ એપ લોન્ચ કરી છે, જે મુસાફરોને મોબાઇલ ફોન પર રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને પ્રકારની ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. કેન્દ્રીય પ્રધાનના જણાવ્યા મુજબ, “બુકિંગ ટ્રેન્ડ અને પ્રતિસાદના આધારે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP)માં ફેરફાર સતત ચાલતી પ્રક્રિયા છે. હાલની PRS પ્રતિ મિનિટ આશરે 25,000 ટિકિટ બુક કરી શકે છે અને નવી સિસ્ટમ આ ક્ષમતા કરતા ચાર ગણાં ટિકિટ હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.” ઉપરાંત, ભારતીય રેલવે સંચાલિત ટ્રેનોમાં બિન-એસી ડબ્બાઓનું પ્રમાણ વધીને લગભગ 70 ટકા થયું છે અને આગામી 5 વર્ષમાં વધારાના 17,000 બિન-એસી સામાન્ય અને સ્લીપર ડબ્બાઓના ઉત્પાદન માટે વિશેષ મેન્યુફેક્ચરિંગ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવેએ સામાન્ય વર્ગમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે સુવિધામાં નોંધપાત્ર વધારો કર્યો છે. માત્ર 2024-25ના છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન જ, વિવિધ લાંબી અંતરની ટ્રેનોમાં 1,250 સામાન્ય ડબ્બાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.